ગાંધીનગર

ગુજરાત મોડલનો ફૂટ્યો ફૂગ્ગો, રાજ્યમાં બે વર્ષમાં 5400થી વધુ MSMEના પાટીયા પડ્યાં

સ્થાનિકો સહિત હજારો લોકોની રોજી રોટી છીનવાઈ

ગાંધીનગરઃ ગુજરાત મોડલના દેશમાં ખૂબ વખાણ થાય છે પરંતુ વાસ્તવિકતા કઈંક અલગ જ છે. ગુજરાતમાં ઉદ્યોગો માટે પ્રોત્સાહક નીતિના દાવા વચ્ચે ચોંકાવનારી માહિતી સામે આવી છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 5400થી વધુ માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝને તાળાં લાગ્યા છે. જેના કારણે સ્થાનિકો સહિત હજારો લોકોની રોજી રોટી છીનવાઈ છે.

મળતી વિગત પ્રમાણે, ગુજરાતમાં નાણાંકીય વર્ષ 2024-25માં ફેબ્રુઆરી 2025 સુધી જ 3148 ઔદ્યોગિક એકમોને બંધ કરવા પડ્યા છે. આમ આ સ્થિતિમાં રોજના સરેરાશ 9 ઔદ્યોગિક એકમોને તાળા લાગ્યા છે. એક વર્ષમાં સૌથી વધુ એકમોને તાળા લાગ્યા હોય તેમાં મહારાષ્ટ્ર 8472 સાથે પ્રથમ ક્રમે છે. ગુજરાત 5455 સાથે બીજા, તમિલનાડુ 4412 સાથે ત્રીજા, રાજસ્થાન 2989 સાથે ચોથા અને કર્ણાટક 2010 સાથે પાંચમાં સ્થાને છે.

આ પણ વાંચો…અમદાવાદ રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાશે, તિર્થસ્થાનોના વિકાસ માટે રૂ. 200 કરોડની જોગવાઈ

સરકાર દ્વારા લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે છે અને વિવિધ યોજનાનો લાભ પણ આપ્યો છે. તેમ છતાં દેશભરમાં આવા ઉદ્યોગ બંધ થવામાં ગુજરાત મોખરાના રાજ્યમાં છે તે વધુ ચિંતાનો વિષય છે. સૂત્રોના કહેવા મુજબ એમએસએમઈમાં હાલમાં ફાઈનાન્સનો પ્રશ્ન સૌથી વધુ નડે છે. હાલ 250 કરોડનું ટર્ન ઓવર ધરાવતી ઈન્ડસ્ટ્રી પણ એમએસએમઈમાં આવે છે. લોન આપવાની વાત આવે ત્યારે બેંકો એમએસએમઈમાં જ આવતી મોટી ઈન્ડસ્ટ્રીને લોન આપે છે, પણ એમએસએમઈને લોન આપતી નથી.

ગુજરાતમાં કયા વર્ષે કેટલા ઔદ્યોગિક એકમો થયા બંધ?
2020-21: 67
2021-22: 492
2022-23: 1074
2023-24: 2307
2024-25: 3148 (ફેબ્રુઆરી 2025 સુધીની સ્થિતિ)*

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button