ગાંધીનગરમાં ગરબા વખતે ‘ઓપરેશન સિંદૂર’ને વિશેષ રીતે કરાયું યાદ, જુઓ મનમોહક વિઝ્યુઅલ્સ

ગાંધીનગરઃ ગુજરાતમાં નવરાત્રીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે, ત્યારે પાટનગરમાં ગરબા કાર્યક્રમમાં ભારતીય સેનાના શૌર્યનું પ્રતીક બનેલા ઓપરેશન સિંદૂરને અનોખી રીતે સલામી આપવામાં આવી હતી. ડ્રોન વીડિયોનો અદ્ભૂત નજારો કેમેરામાં કેદ થયો હતો, જેના વિઝ્યુઅલ્સે લોકોનું મન મોહી લીધું હતું.
ગાંધીનગરના કેસરિયા ગરબાગ્રાઉન્ડમાં દીવડા દ્વારા ઓપરેશન સિંદૂરને દર્શાવવામાં આવ્યું હતું. ડ્રોન વીડિયોમાં શાનદાર વીડિયો કેદ થયો હતો. નવરાત્રીમાં આદ્યશક્તિની ભક્તિ સાથે સેનાની શક્તિનો અદભૂત સંગમ પણ બન્યો હતો. આ અવસર પર આઈસીસીના ચેરમેન જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગરમાં આમ તો દર વર્ષે કેસરિયા ગરબાનું આયોજન થાય છે, પરંતુ પહલગામ આતંકી હુમલા બાદ ભારતના ઓપરેશન સિંદૂરને વિશેષ રીતે સલામી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દુર્ગીની આરતી સમયે ઓપરેશન સિંદૂર લખીને સેનાના શૌર્યના પરાક્રમને સલામી આપવાં આવી હતી. ઉલ્લેકનીય છે કે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગરબા આયોજકોને ઓપરેશન સિંદૂરને યાદ કરવાની અપીલ કરી હતી. પહલગામ આતંકી હુમલા બાદ ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૈનિકોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે પંજાબના આદમપુર બેસ પર ઘણો સમય સૈનિકો સાથે વિતાવ્યો હતો.
રેકોર્ડ બુકમાં મળ્યું સ્થાન
ગાંધીનગરા કેસરિયા ગરબાની આ પહેલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું કે, કેસરિયા ગરબા નવરાત્રી 2025ના આઠમા દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારો દીવડાઓથી ભારતીય સેનાના સાહસ અને પરાક્રમ ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરતી અલૌકિક કૃતિ બનાવવામાં આવી હતી. જેને ગ્લોબલ એક્સીલેન્સ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો…ઝારખંડના જમશેદપુરમાં ગુજરાતી ગરબાની ધૂમ, ગુજરાતી સમાજે મનાવી નવરાત્રિ