ગાંધીનગર

ગુજરાતની ‘૧૦ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું યોજના’ અંતર્ગત અત્યાર સુધીમાં કેટલા લાખ પશુઓને સારવાર આપવામાં આવી?

ગુજરાતના પશુધનને ઘર આંગણે સારવાર સેવા પૂરી પાડતી “મોબાઇલ વેટરિનરી યુનિટ” સેવાના ૨ વર્ષ પૂર્ણ

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે પશુપાલન એ કૃષિના પૂરક વ્યવસાયથી આગળ વધીને અનેક પશુપાલકો માટે આર્થિક ઉન્નતિનો સ્વતંત્ર વ્યવસાય બન્યો છે. રાજ્યના ખૂણે-ખૂણે વસતા કરોડો પશુઓ માટે સમયસર અને ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ પહોંચાડવા માટે ગુજરાત સરકાર દ્વારા “૧૦ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું” યોજના અમલમાં મૂકી હતી.

ગુજરાતની આ સફળ યોજનાના તર્જ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં પશુ સારવાર સેવાઓનો વ્યાપ વધારવા માટે “મોબાઇલ વેટરિનરી યુનિટ”ની નવી યોજના અમલમાં મૂકવામાં આવી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં આ યોજનાના સફળ અમલીકરણના બે વર્ષ પૂર્ણ થયા છે.

ગુજરાતના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા પશુપાલકો માટે પશુ દવાખાના સુધી બીમાર પશુને લઈ જવું એક મોટો પડકાર હોય છે. રસ્તા, વાહનની સગવડ કે સમયના અભાવે ઘણીવાર પશુઓને સમયસર સારવાર મળતી નથી, જેના કારણે પશુધનને નુકસાન થાય છે અને પશુપાલકને આર્થિક ફટકો પડે છે.

આ સમસ્યાના નિવારણ માટે MVU યોજના અમલમાં આવી હતી. જેના માધ્યમથી ફરતા પશુ દવાખાના ઘરે બેઠા પશુઓને સારવાર પૂરી પાડે છે. આ સેવા ખાસ કરીને ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર ૧૯૬૨ દ્વારા કાર્યરત છે, જેના પર એક ફોન કરતાં જ સજ્જ વેટરનરી વાન પશુની સારવાર માટે સ્થળ પર પહોંચી જાય છે. દરેક યુનિટ એક સંપૂર્ણ નાનું પશુ દવાખાનું હોય છે, જેમાં એક પશુ ચિકિત્સક અને એક વાહન ચાલક સહાયકનો સ્ટાફ હોય છે.

મોબાઈલ વેટરિનરી યુનિટ યોજના અંતર્ગત ભારત સરકાર તરફથી ગુજરાતને ૧૨૭ ફરતા પશુ દવાખાના ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. ગત બે વર્ષના સમયગાળામાં આ ફરતા પશુ દવાખાનાના માધ્યમથી રાજ્યના આશરે ૫.૮૩ લાખથી વધુ પશુઓને તેમના ગામમાં જઈને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી છે.

પશુપાલન પ્રધાન જીતુભાઈ વાઘાણીના દિશાનિર્દેશ હેઠળ હાલમાં પણ આ ૧૨૭ યુનિટ દ્વારા ગુજરાતના ૨,૬૦૦થી વધુ ગામડાઓના પશુઓને તેમના ઘર આંગણે સારવાર સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ યોજના ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા અમલમાં આવેલી “૧૦ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાના” યોજના અંતર્ગત પણ હાલમાં ૪૬૦ ફરતા પશુ દવાખાના રાજ્યના દરેક ગામ સુધી પશુ સારવાર સેવાઓ પૂરી પાડી રહ્યા છે. આ યોજના અમલમાં આવી ત્યારથી અત્યાર સુધીમાં ફરતા પશુ દવાખાનાના માધ્યમથી રાજ્યના કુલ ૮૫ લાખ જેટલા પશુઓને ઘર આંગણે વિનામૂલ્યે સારવાર આપવામાં આવી છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button