સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની બાદબાકી: ગુજરાત સરકારમાં એકેય પ્રધાન નહીં?

ગાંધીનગરઃ ગુજરાતના પ્રધાનમંડળનું આજે વિસ્તરણ થયું હતું. નવા પ્રધાનમંડળમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓ બનાવાયા હતા. નવા પ્રધાનમંડળમાં મુખ્ય પ્રધાન સહિત 7 પાટીદાર, 8 ઓબીસી, 3 એસસી અને 4 એસટીનો સમાવેશ થાય છે. જેમાં 3 મહિલા છે. જોકે પ્રધાનમંડળમાં રાજકોટની બાદબાકી કરી નાંખવામાં આવી હતી. રાજકોટમાંથી કોઈને પણ પ્રધાનપદ મળ્યું નહોતું. રાજકોટનું પ્રતિનિધિત્વ હાલ પુરતું શૂન્ય જેવું થઇ ગયું છે. રાજકોટમાંથી ઉદય કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળાના નામ પ્રધાન પદ માટે સવાર સુધી ચર્ચામાં હતા.
રાજ્ય સરકારની ટર્મ શરૂ થઇ ત્યારે એસ.સી/એસ.ટી. દલિત સમાજમાંથી રાજકોટના ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને કેબીનેટ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. બિનવિવાદાસ્પદ મંત્રી તરીકે તેમણે કામ કર્યું હતું. પરંતુ હવે કેબિનેટ વિસ્તરણ વખતે તેમને પડતા મૂકવામાં આવ્યા હતા.
સ્વ. વિજય રૂપાણી મુખ્ય પ્રધાન તરીકે રાજકોટ પશ્ચિમ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા. જયેશ રાદડિયા (કેબિનેટ પ્રધાન) રાજકોટ જિલ્લામાં આવતા જેતપુર બેઠક પરથી અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક બાબતો, કુટીર ઉદ્યોગ, મુદ્રણ અને લેખનસામગ્રી મંત્રાલય સંભાળતા હતા. રૂપાણી સરકારની વિદાય બાદ રાજકોટનું ધીમે ધીમે પ્રતિનિધિત્વ જ ખતમ થઈ ગયું હતું.
આ પણ વાંચો…ગુજરાતમાં કેબિનેટના 9 અને રાજ્યકક્ષાના 16 મંત્રીઓએ શપથ લીધા