ગુજરાતમાં પોષણ મિશનના ભંડોળનો પૂરો ઉપયોગ થયો જ નથી! વિધાનસભામાં થયો ખુલાસો

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી હતી. કેન્દ્ર સરકાર તરફથી પોષણ મિશન અંતર્ગત ફાળવવામાં આવેલી કરોડો રૂપિયાની રકમ વણવપરાયેલી રહી હતી. વાંસદાના ધારાસભ્ય અનંતકુમાર હસમુખભાઈ પટેલે પૂછેલા પ્રશ્નના જવાબમાં આ વિગત સામે આવી હતી.
વાસંદાના ધારાસભ્ય અનંત પટેલે, છેલ્લા બે વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી આંગણવાડી પોષણ મિશન અંતર્ગત કેટલી રકમ ફાળવવામાં આવી? કેટલી રકમનો ખર્ચ કરવામાં આવ્યો અને કેટલી રકમ વણવપરાયેલી પડી રહી તેવા પ્રશ્નો પૂછ્યા હતા.
જેના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષ એટલે વર્ષ 2023-24માં રૂ.78.9001 કરોડ અને વર્ષ 2024-25 માટે રૂ.54.9090 કરોડ કેન્દ્ર સરકાર તરફથી પોષણ અભિયાન અંતર્ગત ફાળવવામાં આવ્યા હતા, જે પૈકી 2023-24માં રૂ.78.9001 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો તેમ જ વર્ષ 2024-25 માટે ફાળવેલી રકમમાંથી રૂ.31.0547 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 2023-24માં ફાળવવામાં આવેલ તમામ રકમનો ખર્ચ કરવામાં આવ્યો હતો. વર્ષ 2024-25 માટે ફાળવેલી રકમમાંથી રૂ.23.8543 કરોડ વણવપરાયેલા રહ્યા હતા.
આંગણવાડી પોષણ મિશનનો શું છે હેતુ
ઉલ્લેખની છે કે આંગણવાડી પોષણ મિશન ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતો એક સંકલિત કાર્યક્રમ છે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ દેશમાં કુપોષણની સમસ્યાને દૂર કરવાનો અને બાળકો, કિશોરીઓ, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓના પોષણ અને આરોગ્યની સ્થિતિ સુધારવાનો છે. આ યોજનામાં કિશોરીઓને પોષણ અને આરોગ્ય શિક્ષણ, આયર્ન અને ફોલિક એસિડ પૂરક, અને આરોગ્ય તપાસ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
આ મિશનનો મુખ્ય ઉદ્દેશ પોષણના સ્તરમાં સુધારો લાવવા માટે એક સંકલિત ઇકો-સિસ્ટમ બનાવવાનો છે. આંગણવાડી પોષણ મિશન ‘પોષણ ટ્રેકર’ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને લાભાર્થીઓના પોષણની સ્થિતિનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ પણ કરે છે. આ મિશનનો હેતુ દેશને કુપોષણમુક્ત બનાવવાનો અને ભાવિ પેઢીના સર્વાંગી વિકાસ માટે એક મજબૂત પાયો નાખવાનો છે.
આ પણ વાંચો…લોકસભાઃ ખેડૂતોની આવક બમણી કરવા કૃષિ મંત્રાલયે બજેટ છ ગણું વધાર્યુ