સરકારી શાળાઓમાં કલા અને સંગીત ગાયબ? 2 વર્ષમાં એક પણ શિક્ષકની ભરતી નહીં | મુંબઈ સમાચાર
ગાંધીનગર

સરકારી શાળાઓમાં કલા અને સંગીત ગાયબ? 2 વર્ષમાં એક પણ શિક્ષકની ભરતી નહીં

ગાંધીનગર: કાયમી ભરતીની માગ સાથે ગાંધીનગરમાં એપ્રિલ માસમાં વ્યાયામ શિક્ષકોએ સરકાર સામે આંદોલન છેડ્યું હતું. જો કે બાદમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે યોજાયેલી બેઠક બાદ વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે કમિટીની રચનાની બાહેંધરી આપવામાં આવી હતી અને બાદમાં આ આંદોલનને સમેટી લેવામાં આવ્યું હતું, જો કે હજુ સુધી ભરતીની જાહેરાત કરવામાં આવી નથી.

પરંતુ છેલ્લા બે વર્ષમાં ચિત્ર, કોમ્પ્યુટર, સંગીત અને વ્યાયામ શિક્ષકો સહિત માત્ર 115 શિક્ષકોની જ ભરતી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

આપણ વાંચો: સરકારનો યુટર્નઃ ગુજરાતમાં નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો વચગાળાનો નિર્ણય રદ, શિક્ષણ વિભાગે જાહેર કર્યો પરિપત્ર

ચિત્ર કે સંગીતના એકપણ શિક્ષકની ભરતી નહીં

વિધાનસભામાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ રાજ્યની માધ્યમિક શાળાઓમાં જુલાઇ 2025 સુધીની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ચિત્ર, વ્યાયામ, સંગીત અને કોમ્પ્યુટર વિષયમાં કેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવી તે અંગે સવાલ કર્યો હતો.

જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં સરકારી શાળામાં ચિત્ર કે સંગીત વિષયના એકપણ શિક્ષકની ભરતી કરવામાં આવી નથી. જ્યારે વ્યાયામના 12 અને કોમ્પ્યુટરના 2 શિક્ષકોની ભરતી કરવામાં આવી છે.

આપણ વાંચો: ધોરણ 1 થી 5 ની 7000 શિક્ષકોની ભરતી રદ, મેરિટ ગણતરીમાં ગડબડ થવાથી લેવાયો નિર્ણય!

જ્યારે ગ્રાન્ટેડ શાળાઓમાં ચિત્ર વિષયમાં 2 શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. જ્યારે વ્યાયામના 35 અને કોમ્પ્યુટરના 64 શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. જો કે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં સંગીત વિષયના એકપણ શિક્ષકની ભરતી કરવામાં નથી આવી તેવો સરકારે લેખિતમાં સ્વીકાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા જ કાયમી ભરતીની માંગ સાથે ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોએ આંદોલન કર્યું હતું. બાદમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કમિટી બનાવવાનું આશ્વાસન આપ્યું હતું. સીએમના આશ્વાસન બાદ વ્યાયામ શિક્ષકોની ભરતી માટે પ્રાથમિક શિક્ષણના અગ્ર સચિવની અધ્યક્ષતામાં 10 સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button