ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 16 નગરપાલિકાને નિર્મળ ગુજરાત એવોર્ડ્સ એનાયત | મુંબઈ સમાચાર
ગાંધીનગર

ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 16 નગરપાલિકાને નિર્મળ ગુજરાત એવોર્ડ્સ એનાયત

ગાંધીનગર : ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 16 નગરપાલિકાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્મળ ગુજરાત એવોર્ડ્સ એનાયત કર્યા છે. જેમાં સ્વચ્છતા સહિતના જન સુખાકારીના કામોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ નિર્મળ ગુજરાત એવોર્ડ્સ સહિત કુલ રૂપિયા 18.5 કરોડની પ્રોત્સાહક રકમ એનાયત કરી હતી. આ ઉપરાંત મારુ શહેર મારું ગૌરવ અભિયાનના લોગોનું અનાવરણ પણ કર્યુ હતું. મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે નિર્મળ ગુજરાત એવોર્ડ વિતરણ સમારોહ તેમજ સ્વચ્છ ભારત મિશનની ચિંતન શિબિર યોજાઈ હતી.

શહેરોને વધુ સારું કામ કરવાનું પ્રોત્સાહન મળે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્મળ ગુજરાત એવોર્ડ મેળવનારી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને અભિનંદન પાઠવતા કહ્યુ કે, આ પ્રકારના એવોર્ડથી અન્ય શહેરોને વધુ સારું કામ કરવાનું પ્રોત્સાહન મળે છે. સ્વચ્છતા સૌ નાગરિકોના સંસ્કાર અને સ્વભાવમાં વણાઈ ગઈ છે. સ્વચ્છ ભારત અભિયાન, નિર્મળ ગુજરાત મિશન જેવા વિવિધ વિકાસલક્ષી અભિયાનોમાં રાજ્ય સરકાર મહાનગરપાલિકા-નગરપાલિકાઓને નાણાકીય સહિત તમામ સહકાર આપવા હંમેશા તૈયાર છે.

મુખ્યમંત્રીએ નગરપાલિકાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંબોધતા કહ્યું કે, હવે વધુ ગુણવત્તાસભર વિકાસ કાર્યો સૌએ સાથે મળીને કરવા પડશે. વિકસિત ભારતના નિર્માણ માટે રાજ્યમાં કોઈ એક શહેરનો નહીં પણ નાનામાં નાના છેવાડાના માણસનો વિકાસ કરીને તેને મુખ્ય પ્રવાહમાં લાવવો તે આપણો ધ્યેય છે.

5 વર્ષ અમૃત મહોત્સવ તરીકે ઉજવવાની તક

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ‘મેક ઇન ઈન્ડિયા’ અંતર્ગત ભારતમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરીએ તે સ્વદેશી જ ગણાય. દરેક ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા જરૂરી છે. સ્વદેશી અને આત્મનિર્ભરતા ઉપર જો આપણે ભાર મૂકીશું તો જ આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવી શકીશું. તેમણે કહ્યું કે વર્ષ 2035માં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ અમૃત મહોત્સવ તરીકે ઉજવવાની આપણને તક મળવાની છે તેનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, આ માટે વિકસિત ગુજરાતનો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતે સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 દેશમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો

આ ઉપરાંત “રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ”ની થીમ પર યોજાયેલા “સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25’માં ગુજરાતના શહેરોએ સરેરાશ કુલ 12,500 માંથી 8100 થી વધુ માર્ક્સ પ્રાપ્ત કરીને સમગ્ર દેશમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જે ગત વર્ષે આઠમો ક્રમ હતો. તેમણે સ્વચ્છતા સર્વેક્ષણની વિવિધ શ્રેણીમાં વિજેતા બનેલા અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરા શહેરને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ આગામી સ્વચ્છતા સર્વેક્ષણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગુજરાતને સ્વચ્છતા ક્ષેત્રે વધુમાં વધુ આગળ લઈ જવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચો…Video: ગુજરાત પ્રધાનમંડળનું વિસ્તરણ કયારે? સવાલ પૂછતા દાદા-પાટીલે શું કર્યું

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button