
બે સપ્તાહમાં આ મામલો વિગતવાર અહેવાલ રજૂ કરવા આપ્યો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પીવાના દૂષિત પાણીના કારણે ટાઈફોઈડના કેસોમાં થયેલા નોંધપાત્ર વધારાને પગલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગએ ગંભીર નોંધ લીધી હતી. આયોગે મીડિયા રિપોર્ટ્સના આધારે સ્વતઃ સંજ્ઞાન લઈને રાજ્યના મુખ્ય સચિવને નોટિસ પાઠવી હતી અને બે અઠવાડિયામાં આ મામલે વિગતવાર અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો હતો.
મળતી વિગતો અનુસાર, ગાંધીનગરમાં નવી નાખેલી પાણીની પાઈપલાઈન નેટવર્કમાં અનેક જગ્યાએ લીકેજ હોવાના કારણે પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી રહ્યું છે. આરોગ્ય વિભાગે શહેરના એક ચોક્કસ વિસ્તારમાં ટાઈફોઈડના કુલ 70 સક્રિય કેસોની પુષ્ટિ કરી હતી. તપાસ દરમિયાન વોટર સપ્લાય સિસ્ટમમાં સાત જેટલા મુખ્ય લીકેજ પોઈન્ટ મળી આવ્યા હતાં, આ અહેવાલો સાચા હોય તો તે નાગરિકોના માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન હોવાનું આયોગે નોંધ્યું હતું.
અહેવાલો મુજબ, વધતા જતા કેસોને પહોંચી વળવા માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખાસ ૩૦ બેડનો પીડિયાટ્રિક વોર્ડ શરૂ કરવામાં આવ્યો હતો, કારણ કે ટાઈફોઈડનો ભોગ બનનારાઓમાં મોટી સંખ્યા બાળકોની છે. દર્દીઓ ઉંચા તાવ અને જઠરાંત્રિય સમસ્યાઓ સાથે હોસ્પિટલ આવી રહ્યા છે.
આ પણ વાંચો…પ્રદૂષિત પાણીના ફફડાટ વચ્ચે હવે જીબીએસ સિન્ડ્રોમે વધારી ચિંતા, જાણો બીમારીના લક્ષણો



