ગાંધીનગર

ગિફ્ટ સિટીમાં નવો વિવાદ: અભિનેત્રી શિલ્પા શેટ્ટીની કંપનીને કોન્ટ્રાક્ટ આપવા ટેન્ડરની શરતોમાં ફેરફાર, કરોડોના નુકસાનનો આરોપ

ગાંધીનગરઃ બોલીવુડની જાણીતી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના માલિકવાલી બેસ્ટિયન હોસ્પિટાલિટી ગાંધીનગરમાં ગિફ્ટ સિટીના સેન્ટ્રલ પાર્કમાં ફૂડ ઝોનનું સંચાલન કરશે તેવા સમાચાર છે. જોકે હાઈ પ્રાફાઈલ પ્રોજેક્ટ શરૂ થવાની સાથે જ વિવાદ શરૂ થયો છે. ટેન્ડર પ્રક્રિયા દરમિયાન નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો હોવાના કારણે કોઈ માનીતા ને જ આ કોન્ટ્રાક્ટ મળે તેવો આરોપ લાગ્યો છે.

શું છે મામલો

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટેન્ડરને અંતિમ રૂપ આપતાં પહેલા નિયમોમાં મોટા પાયે બદલાવ કરવામાં આવ્યો હતો. ટેન્ડરની શરત પ્રમાણે વાર્ષિક ટર્નઓવર 8થી 8.50 કરોડ હતું તેને વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવ્યું હતું. જાણકારો મુજબ આ શરત કોઈ સ્થાનિક બિડર્સ રેસમાંથી બહાર થઈ જાય તે માટે રાખવામાં આવી હતી. આ વિવાદનું સૌથી ચોંકાવનારું પાસું નાણાકીય નુકસાન સાથે જોડાયેલું છે. રિપોર્ટ અનુસાર ટેન્ડરની શરતોમાં ફેરફાર અને ભાડામાં ઘટાડાને કારણે રાજ્ય સરકારને લગભગ 68 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

આ પણ વાંચો: ગિફ્ટ સિટીમાં ક્યાંય એસી નહીં હોય, ચિલ્ડ વોટરથી ઠંડક માટે ખાસ ટનલ

15 વર્ષના આ કરાર માટે ટેન્ડરમાં અગાઉનું ભાડું ₹ 65 પ્રતિ ચોરસ ફૂટ (એટલે ​​કે દર મહિને 65 લાખ રૂપિયા) નક્કી કરવામાં આવ્યું હતું. જો આ દર જાળવી રાખવામાં આવ્યો હોત, તો ગિફ્ટ સિટીને 15 વર્ષમાં ₹ 120 કરોડની આવક થઈ હોત, પરંતુ ત્યાર બાદ ભાડાના દરોમાં અસામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. રિપોર્ટ મુજબ ભાડાંને પહેલા ઘટાડીને ₹ 55 પ્રતિ ચોરસ ફૂટ કરવામાં આવ્યું પછી ₹ 45 અને છેવટે રાતોરાત તેને ₹ 35 પ્રતિ ચોરસ ફૂટ કરી દેવામાં આવ્યું હતું.

બેસ્ટિયન હોસ્પિટાલિટી અને શિલ્પા શેટ્ટીનું કનેક્શન

બેસ્ટિયનની ઓળખ આજે ભારતના સમકાલીન ડાઇનિંગ અને નાઇટલાઇફ દ્રશ્યમાં એક મોટા બ્રાન્ડ તરીકેની છે. તેની શરૂઆત સી-ફૂડ રેસ્ટોરાં તરીકે થઈ હતી, પરંતુ હવે તેના પોર્ટફોલિયોમાં ‘બિઝા’, પેરુવિયન-એશિયન સ્ટાઇલનું ‘ઇન્કા’, ‘વન સ્ટ્રીટ’, ‘બ્લોન્ડી કેફે’ અને ‘અમ્માકાઈ’ જેવા બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. આ બ્રાન્ડ માત્ર ભોજન પૂરતી સીમિત નથી, પરંતુ તે કલા, સંગીત અને સંસ્કૃતિનું પણ મિશ્રણ રજૂ કરે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગિફ્ટ સિટીની તમામ જમીન 2028 સુધીમાં ફાળવી દેવાશે, બસ સેવા પણ શરુ કરાશે…

શિલ્પા શેટ્ટીએ વર્ષ 2019માં બેસ્ટિયન હોસ્પિટાલિટીમાં 50 ટકા હિસ્સો ખરીદ્યો. અહેવાલો અનુસાર કંપનીએ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી ₹ 23.30 કરોડ અને ઇન્ડિયન બેંક પાસેથી ₹ 8.90 કરોડની લોન લીધી છે. હાલમાં બેસ્ટિયનના રેસ્ટોરા મુંબઈ, પુણે અને બેંગલુરુમાં કાર્યરત છે.

શું છે ગિફ્ટ સિટીનો ફૂડ ઝોન?

ગિફ્ટ સિટી ભારતની પ્રથમ કાર્યરત સ્માર્ટ સિટી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (IFSC) છે. જે ફૂડ ઝોનને લઈને આ વિવાદ છે, તેને સેન્ટ્રલ પાર્કના ફેઝ-1ના ભાગરૂપે વિકસાવવામાં આવ્યો છે. આમાં પબ્લિક પ્લાઝા, ઇવેન્ટ એરિયા, જોગિંગ અને સાઇકલિંગ ટ્રેક સાથે અનેક વાઇબ્રન્ટ સોશિયલ સ્પેસ પણ સામેલ છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button