ગાંધીનગર

રાજ્યમાં માતા અને બાળમૃત્યુ દરમાં ઘટાડો કરવા સરકાર ચલાવે છે આ યોજના, 7 વર્ષમાં ચૂકવ્યા આટલા કરોડ

ગાંધીનગરઃ રાજ્યમાં માતા અને બાળમૃત્યુ દરમાં ઘટાડો કરવાના હેતુથી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘નમો શ્રી યોજના’ વર્ષ-૨૦૨૪થી અત્યાર સુધી ૭ લાખથી વધુ લાભાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા રૂ.૪૩૭.૩૨ કરોડ ચૂકવવામાં આવ્યા છે.

રાજ્યની સગર્ભા મહિલાઓ ‘નમો શ્રી યોજના’નો બે પ્રસુતિ સુધી લાભ લઇ શકે છે. જે અંતર્ગત લાભાર્થીએ સગર્ભાવસ્થાની નોંધણી ફીમેલ હેલ્થ વર્કર પાસે કરાવવાની રહે છે. આ નોંધણીની મેડીકલ ઓફિસર ત્યારબાદ તાલુકા હેલ્થ ઓફિસર-અર્બન તાલુકા હેલ્થ ઓફિસર ખરાઈ કરે છે. જે અંતર્ગત પ્રથમ પ્રસુતિ દરમિયાન પ્રથમ હપ્તા સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા રૂ.૨,૦૦૦ અને કેન્દ્ર સરકાર રૂ.૩,૦૦૦ની સહાય કરવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા રૂ.૨,૦૦૦નો બીજો હપ્તો સગર્ભાવસ્થાનાં ૬ માસ પૂર્ણ થયા બાદ, ત્રીજો હપ્તો સંસ્થાકીય પ્રસુતિમાં રૂ.૩,૦૦૦ જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૨,૦૦૦નો ચોથો હપ્તો રસીકરણ સમયે ૧૪માં અઠવાડિયે એમ કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને કુલ રૂ.૧૨,૦૦૦ની સહાય લાભાર્થીઓને ચૂકવવામાં આવે છે.

બીજી પ્રસુતિ સમયે લાભાર્થી સગર્ભાવસ્થાની નોંધણી કરાવે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ હપ્તા પેટે રૂ.૨,૦૦૦, બીજા હપ્તા પેટે સગર્ભાવસ્થાનાં ૬ માસ પૂર્ણ થયા બાદ રૂ.૩,૦૦૦, કેન્દ્ર સરકાર દ્વારા ત્રીજો હપ્તા સ્વરૂપે સંસ્થાકીય પ્રસુતિમાં દીકરીના જન્મ સમયે રૂ.૬,૦૦૦ તેમજ દીકરાના જન્મ સમયે રૂ.૬,૦૦૦ રાજ્ય સરકાર દ્વારા તથા ચોથા હપ્તા રૂપે ૯ મહિના બાદ સંપૂર્ણ રસીકરણ સમયે રૂ.૧,૦૦૦નો હપ્તો રાજ્ય સરકાર દ્વારા આમ કુલ રૂ.૧૨,૦૦૦/-ની સહાય ચૂકવવામાં આવે છે,

રાજ્યમાં ૧૧ કેટેગરીની બહેનોને ‘નમો શ્રી યોજના’ અંતર્ગત લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ, જે મહિલાઓ આંશિક રીતે ૪૦ ટકા અથવા સંપૂર્ણ દિવ્યાંગ હોય, BPL રેશન કાર્ડ ધારક મહિલા, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) – આયુષ્માન ભારત હેઠળ કાર્ડ ધારક મહિલા લાભાર્થીઓ, ઈ-શ્રમ કાર્ડ ધરાવતી મહિલાઓ, મહિલા ખેડૂતો જે કિસાન સન્માન નિધિ હેઠળ લાભાર્થી હોય, મનરેગા જોબ કાર્ડ ધરાવતી મહિલાઓ, જે મહિલાઓની કૌટુંબિક વાર્ષિક આવક રૂ.૮ લાખ કરતાં ઓછી હોય, સગર્ભા અને સ્તનપાન કરાવતી AWWs/ AWHs/ ASHAs, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ ૨૦૧૩ હેઠળ રેશન કાર્ડ ધરાવતી સગર્ભા, કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઈપણ અન્ય શ્રેણીની મહિલાઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘નમો શ્રી યોજના’ અંતર્ગત રાજ્યમાં આરોગ્ય અને પોષણમાં સુધારો લાવવાના હેતુસર સગર્ભા માતા તેમજ ધાત્રી માતાને કુલ રૂા. ૧૨,૦૦૦/- ની સહાય ચાર તબક્કાવાર DBT મારફતે આપવામાં આવે છે. જેના માટે વાર્ષિક કુલ રૂ। ૪૮૮.૪૦ કરોડની બજેટ જોગવાઇ કરવામાં આવી છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button