ગુજરાતમાં નમો શ્રી યોજનાથી ખીલી ઉઠ્યું માતૃત્વ, 1 વર્ષમાં 4 લાખ માતાઓને મળી ₹222 કરોડની આર્થિક સહાય

ગાંધીનગરઃ ગુજરાતમાં મહિલાઓના સશક્તિકરણ અને માતાઓના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા દ્વારા ગત નાણાંકીય વર્ષમાં નમો શ્રી યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાના સકારાત્મક પરિણામ જોવા મળ્યા અને મહિલાઓના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આંતરરાષ્ટ્રીય માતૃત્વ દિવસ નિમિત્તે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપેલી માહિતી અનુસાર, છેલ્લા એક વર્ષમાં નમો શ્રી યોજના હેઠળ 6 લાખથી વધુ મહિલાઓએ નોંધણી કરાવી છે, જેમાંથી લગભગ 4 લાખ મહિલાઓને ₹222 કરોડની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.
નમો શ્રી યોજના ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ અને માતાઓના સ્વાસ્થ્ય અને પોષણ માટે તેમને આર્થિક સહાય પૂરી પાડવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. આ યોજનાએ લગભગ 4 લાખ માતાઓની સમયસર આરોગ્ય તપાસ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, સાથે જ તેમના માટે સંતુલિત પોષણ પણ સુનિશ્ચિત કર્યું છે.
આંતરરાષ્ટ્રીય માતૃ દિવસનું મહત્ત્વ અને આ વર્ષની થીમ શું છે?
માતા પ્રત્યેનો આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે તેમજ તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવા માટે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ ઉજવવામાં આવે છે. આ વખતે આંતરરાષ્ટ્રીય માતૃ દિવસની ઉજવણી 11 મેએ છે. આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ 2025ની થીમ “Mothers: The Backbone of the Family” (માતા: પરિવારનો આધારસ્તંભ) છે, જે દર્શાવે છે કે એક માતા જ પરિવારની કરોડરજ્જુ હોય છે અને તેમના વિના સમાજની કલ્પના પણ નથી કરી શકાતી.
ગુજરાતમાં નમો શ્રી યોજનાથી માતાઓના સ્વાસ્થ્ય અને પોષણમાં થયો સુધારો
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નમો શ્રી યોજના હેઠળ પાત્ર મહિલાઓને તેમના પહેલા બે જીવંત બાળકો માટે તબક્કાવાર ₹12,000 સુધીની નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ સહાય કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના (PMMVY) અને જનની સુરક્ષા યોજના (JSY) હેઠળ પ્રાપ્ત લાભો સાથે સંયુક્ત રીતે આપવામાં આવે છે.
પ્રથમ ગર્ભાવસ્થા માટે મહિલાને ચાર તબક્કામાં કુલ ₹12,000ની સહાય આપવામાં આવે છે – નોંધણી સમયે ₹5,000 (જેમાંથી ₹2,000 રાજ્ય સરકાર અને ₹3,000 કેન્દ્ર સરકાર દ્વારા), ગર્ભાવસ્થાના છ મહિના પૂર્ણ થવા પર ₹2,000 (રાજ્ય સરકાર દ્વારા), સંસ્થાકીય પ્રસૂતિ પછી તરત જ ₹3,000 (રાજ્ય સરકાર દ્વારા) અને 14 અઠવાડિયાના રસીકરણ બાદ ₹2,000 (કેન્દ્ર સરકાર દ્વારા).
બીજી ગર્ભાવસ્થા માટે સહાય પૂરી પાડવાની પ્રક્રિયા થોડી અલગ છે. તેમાં મહિલાને નોંધણી સમયે ₹2,000, ગર્ભાવસ્થાના છ મહિના બાદ ₹3,000, સંસ્થાકીય પ્રસૂતિ બાદ ₹6,000 આપવામાં આવે છે. જો નવજાત બાળક છોકરી હોય, તો સહાયની રકમ કેન્દ્ર સરકાર દ્વારા અને જો નવજાત બાળક છોકરો હોય તો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે, અને 14 અઠવાડિયાના રસીકરણ બાદ રાજ્ય સરકાર દ્વારા ₹1,000 આપવામાં આવે છે. આ સંપૂર્ણ રકમ સીધી લાભાર્થી મહિલાના બૅન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
આપણ વાંચો: બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: યુદ્ધના સમયે બ્રાન્ડનો અભિગમ કેવો હોવો જોઈએ…-સમીર જોશી
PMMVY, JSY અને ખિલખિલાટ જેવી યોજનાઓ માતાઓ માટે બની સુરક્ષા કવચ
નમો શ્રી યોજનાની સાથે, રાજ્ય સરકારની SUMAN, PMSMA, મમતા, ખિલખિલાટ જેવી યોજનાઓ મહિલાઓને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સેવાઓ, નિયમિત તપાસ, રસીકરણ અને કાઉન્સેલિંગ પૂરું પાડે છે. કેન્દ્ર અને રાજ્યના આ સંયુક્ત પ્રયાસોના કારણે રાજ્યમાં માતૃ મૃત્યુ દર (MMR)માં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2011-13માં ગુજરાતનો માતૃ મૃત્યુ દર 112 હતો અને 2020 સુધીમાં એ ઘટીને 57 થઈ ગયો, જે 50%નો નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે.
ગુજરાતમાં 14 લાખથી વધુ સગર્ભા સ્ત્રીઓને દર વર્ષે સમયસર આરોગ્ય તપાસ અને પોષણ સેવાઓ મળી રહી છે. આ ઉપરાંત, રાજ્યએ 99.97% સંસ્થાકીય પ્રસૂતિ દર હાંસલ કર્યો છે, જે રાષ્ટ્રીય સ્તરે એક ઉલ્લેખનીય સિદ્ધિ છે.