માતાનું પ્રથમ દૂધ શિશુ માટે પ્રથમ રસીકરણ: આજથી વિશ્વ સ્તનપાન સપ્તાહનો પ્રારંભ

ગાંધીનગર: જન્મ બાદનું પ્રથમ દૂઘ-માતાનું ધાવણ બાળક માટે અમૃત સમાન છે. સ્તનપાનનું મહત્વ સમજાવવા અને જાગરૂકતા લાવવા માટે ભારત સહિત વિશ્વભરમાં તા. 1થી 7 ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. એક બાળક માટે માતાના દૂધનું ખૂબ જ મહત્વ રહ્યું છે અને તેના લાભ ગણાવીએ તેટલા ઓછા છે. જેના ભાગરૂપે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહનો રાજ્યવાપી પ્રારંભ કરાવ્યો હતો.
બાળકના જન્મ બાદના છથી આઠ મહિના સુધી માતાનું દૂધ જ સર્વોત્તમ ગણાય છે. આ બાળક અને માતા બંને માટે ફાયદાકારક છે. માતાના સ્તનોમાંથી નીકળનારૂં પ્રથમ પીળું ઘાટું દૂધ શિશુ માટે સૌથી વધુ લાભદાયી હોય છે. માતાના પ્રથમ દૂધને શિશુ માટે પ્રથમ રસીકરણ પણ કહે છે કારણ કે આ દૂધમાં શિશુની રોગપ્રતિકારક ક્ષમતા વધારવાની ખૂબ જ તાકાત સમાયેલી છે. માતાના દૂધના પ્રભાવથી જ બાળક બીમારીઓ અને ચેપને લડત આઆપી શકે છે.
આ પણ વાંચો : ગુજરાતમાં Chandipura Virusના નવા ત્રણ કેસ નોંધાયા, કુલ શંકાસ્પદ કેસ 137એ પહોંચ્યા
જો કે આપણા દેશમાં આજે પણ સ્તનપાનને લઈને મહિલાઓમાં અનેક ખોટી ધારણાઓ વ્યાપેલી છે જેના કારણે માતા અને બાળક બંનેને સ્તનપાનના ફાયદાથી વંચિત થવું પડે છે. જન્મ બાદ ગળથુથી જેવા પારંપરિક રિવાજો બંધ કરી જન્મના પ્રથમ કલાકમાં માત્ર માતાનું દૂધ જ આપવું જોઈએ. આંકડાઓ જોઈએ, સેંકડો બાળકોને અકારણ સ્વાસ્થ્ય સમસ્યાઓ માત્ર એટલા માટે થાય છે કેમકે તેમને માતાનું દૂધ મળતું નથી. જો તમામ નવજાત શિશુ પ્રથમ 6 મહિના ફક્ત માતાનું દૂધ પીએ તો દર વર્ષે સેંકડો બાળકોનું જીવન બચાવી શકાય છે.
સ્તનપાન કરાવવાથી માતાને નુકસાન થાય છે એ માન્યતા જ તર્કવિહોણી અને ખોટી છે. માતાનું દૂધ જ શિશુ માટે સર્વોત્તમ દૂધ હોય છે. મહિલાઓમાં સ્તનપાન પ્રત્યે જાગૃતિના હેતુથી દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહ મનાવવામાં આવે છે જેમાં મહિલાઓને સ્તનપાનના મહત્ત્વ અંગે જણાવવામાં આવે છે અને શિશુઓને જન્મના છ મહિના સુધી માત્ર માતાનું દૂધ પીવડાવવા માટે ખાસ કરીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. છ મહિના ઉપરાંત શિશુને ઉપરનો ખોરાક આપવો જોઈએ જેથી ઉછરતા અને વિકસિત થતા બાળકોને પર્યાપ્ત પોષણ પ્રાપ્ત થઈ શકે.