
ગાંધીનગરઃ સમગ્ર વિશ્વ માટે બિનચેપી રોગ એક પડકાર બની ગયો છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં બિનચેપી રોગોની અટકાયત અને નિયંત્રણ માટેની દિશામાં અનેકવિધ નવા પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. દેશના નાગરીકોની બદલાયેલી જીવનશૈલીમાં પરિવર્તન સાથે બિનચેપી રોગોનું પ્રમાણ ઘટાડવા માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં અનેક સ્વાસ્થ્ય સંબંધી યોજનાઓ અમલી બનાવાઈ છે.
આટલા નાગરીકોનું વિનામૂલ્યે નિદાન કરાયું
કેન્દ્ર સરકારના નેશનલ એન.સી.ડી. પોર્ટલ પર તા.૦૭ નવેમ્બર ૨૦૨૫ની સ્થિતિએ રાજ્યમાં ૩૦થી વધુ વયનાં નાગરીકોનું આશા દ્વારા સૂચિત વયજુથમાંથી કુલ ૧.૭૦ કરોડ નાગરીકોનું કોમ્યુનીટી બેઝ્ડ એસેસમેન્ટ ચેકલીસ્ટ ફોર્મ ભરાયું છે. જેમાંથી કુલ ૧.૬૮ કરોડ નાગરીકોનું બિનચેપી રોગો માટે સ્ક્રીનીંગ કરાયું છે. જેમાંથી હાયપરટેન્શનના કુલ ૩૯,૪૭,૬૧૦ અને ડાયાબિટીસના કુલ ૨૯,૭૭,૩૨૬ નાગરીકોનું વિનામૂલ્યે નિદાન કરાયું છે.
જ્યારે ગત નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ગુજરાતમાં બિનચેપી રોગોની અટકાયત માટે એન.સી.ડી. સ્ક્રીનીંગ ડ્રાઇવ કેમ્પેઇનમાં ૩૦ વર્ષ કે તેથી વધુ વયનાં લોકો પૈકી ડાયાબિટીશ માટે કુલ ૧,૦૫,૧૧,૨૭૩ નાગરીકોની વિનામૂલ્યે તપાસ કરાઈ હતી. જેમાંથી ડાયાબિટીસ અને હાયપરટેન્શનમાં નિદાન પામેલ દર્દીઓને આરોગ્ય કેન્દ્રો-હોસ્પિટલો ખાતેથી દાક્તરી સલાહ મુજબ વિનામૂલ્યે સારવાર અપાઈ હતી. આ ઉપરાંત સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત રાજ્યની કુલ-૧૫,૭૪,૬૫૩ મહિલાઓનું ડાયાબિટીસ માટે તપાસ કરી નિદાન કરવામાં આવ્યું હતું.
યુવાનોમાં બિનચેપી રોગો અટકાવવા શું પગલા લેવામાં આવ્યા
યુવાનોમાં વધતાં જતાં બિનચેપી રોગોનાં જોખમને અટકાવવા તેમજ નિયંત્રણ માટે એક પહેલ સ્વરૂપે ‘બિનચેપી રોગોની અટકાયત અને નિયંત્રણ પ્રોગ્રામ’ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં યુવાનો ડાયાબિટીસ અને હાયપરટેન્શન’ની તપાસ કરાવીને વિનામૂલ્યે સારવાર-નિદાન કરાવી શકે છે. જેમાં આરોગ્યની ટીમ દ્વારા સર્વે બાદ ઓનલાઇન નોંધણી કરી જરૂરીયાત વાળા દર્દીઓને કેન્દ્ર સરકારની “આયુષ્માન ભારત” યોજના સાથે સાંકળીને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં સારવાર અપાય છે. આ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યમાં દર મંગળવાર અને શુક્રવાર એમ બે દિવસને એન.સી.ડી. ડે-નોન કમ્યુનિકેબલ ડિસીઝ તરીકે રાજ્યનાં તમામ હેલ્થ સેન્ટર પર બિનચેપી રોગોની તપાસ અને સારવાર કરાય છે.
વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી
દેશભરમાં ૧૪ નવેમ્બરને “વિશ્વ ડાયાબિટીસ દિવસ” ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાતના જિલ્લાઓ અને મહાનગરોનાં તમામ આયુષ્માન આરોગ્ય મંદિરોમાં રોગોની અટકાયત, નિયંત્રણ, વહેલાં નિદાન અને સારવારનાં વ્યવસ્થાપન અંગે નાગરીકોમાં જનજાગૃતી લાવવા આ દિવસે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ડાયાબિટીસ અટકાયત અને નિયંત્રણ પર જાગૃતિ સત્રો યોજવા અને આરોગ્ય વાર્તાલાપ, વહેલાં નિદાન માટે બિનચેપી રોગો માટે સ્ક્રીનીંગ કેમ્પ યોજવા અને કાઉન્સેલિંગ સત્રો યોજવામાં આવે છે.
આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધીઃ સર્વ પ્રકારના ડાયાબિટીસને મટાડતી શિયાળાની પાવરફુલ વનસ્પતિ…



