ગુજરાતમાં દિવાળી પહેલા રાજકીય ધડાકાના એંધાણ!; મંત્રીમંડળમાં આટલા દિગ્ગજ નેતાઓના નામની ચર્ચા! | મુંબઈ સમાચાર
Top Newsગાંધીનગર

ગુજરાતમાં દિવાળી પહેલા રાજકીય ધડાકાના એંધાણ!; મંત્રીમંડળમાં આટલા દિગ્ગજ નેતાઓના નામની ચર્ચા!

ગાંધીનગર: તાજેતરમાં જ ભાજપને તેના પ્રદેશ અધ્યક્ષ મળી ચૂક્યા છે, ત્યારે હવે આ મુદ્દે ગુજરાતના રાજકારણમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ જોર જગાવ્યું છે. મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ દિવાળી પહેલા જ થવાની પ્રબળ સંભાવના છે. મંત્રીમંડળના વિસ્તરણને આખરી ઓપ આપવા માટે સોમવારે મોડી રાત સુધી દિલ્હીમાં હાઈકમાન્ડની મહત્ત્વની બેઠક યોજાઈ હતી.

મળતી વિગતો અનુસાર ગઇકાલે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા હતા. મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે આ અંગે લાંબી ચર્ચા થઈ હતી. આ બેઠક બાદ જ વિસ્તરણની શક્યતા તેજ બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્તરણ મોટું અને નિર્ણાયક હોઈ શકે છે અને મોટા ફેરફાર થઈ શકે છે અને ઘણા પ્રધાનોના પત્તા કપાઈ શકે છે.

કયા નામોની છે ચર્ચા ?

સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્તમાન મંત્રીમંડળમાંથી ૬ થી ૭ જેટલા મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે છે. તે ઉપરાંત નવા મંત્રીમંડળમાં ૨૦ થી ૨૬ મંત્રીઓને સ્થાન મળી શકે છે. આ વિસ્તરણમાં જ્ઞાતિ સમીકરણોને ખાસ ધ્યાનમાં રાખવામાં આવી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા પ્રદેશોમાંથી વધુ નેતાઓને તક મળી શકે છે. મંત્રીમંડળના વિસ્તરણમાં કેટલાક યુવા અને અનુભવી ધારાસભ્યોને સ્થાન મળી શકે છે, જેમાં જયેશ રાદડિયા, સી.જે. ચાવડા, અલ્પેશ ઠાકોર, મહેશ કસવાલા, વડોદરાના પૂર્વ મેયર કેયુર રોકડિયા, જીતુ ચૌધરી, સંગીતા પાટીલ, ઉદય કાનગડ, રિવાબા જાડેજા ઉપરાંત, પૂર્વ મંત્રી જીતુ વાઘાણીની મંત્રીમંડળમાં રી-એન્ટ્રી થઈ શકે છે.

સંગઠનમાં પણ મોટા ફેરફારની શક્યતા

મંત્રીમંડળના વિસ્તરણની સાથે-સાથે પ્રદેશ ભાજપના સંગઠનમાં પણ મોટા પાયે બદલાવની શક્યતા જોવાઈ રહી છે, જેનાથી આગામી સમયમાં પક્ષને વધુ મજબૂત બનાવી શકાય. મુખ્યમંત્રીનો આજનો રવિ કૃષિ મહોત્સવનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે આ ફેરફારો માટે અંતિમ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

આપણ વાંચો:  ગોદડા-ધાબળા તૈયાર રાખો! અમદાવાદમાં આ વર્ષે છેલ્લા ૫ વર્ષનો સૌથી કડકડતો શિયાળો પડશે, પારો ૧૦°C નીચે જશે

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button