ગિફ્ટ સિટીમાં 'મેરા દેશ પહલે'ની ગુંજ: પીએમ મોદીની જીવનયાત્રાએ યુવાનોમાં રાષ્ટ્રભક્તિની નવી ભાવના જગાવી | મુંબઈ સમાચાર
ગાંધીનગર

ગિફ્ટ સિટીમાં ‘મેરા દેશ પહલે’ની ગુંજ: પીએમ મોદીની જીવનયાત્રાએ યુવાનોમાં રાષ્ટ્રભક્તિની નવી ભાવના જગાવી

ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આકાર લઇ રહેલા નવા ભારતના રૂપાંતરણની રોમાંચક કહાની ‘મેરા દેશ પહલે’નો ગુજરાતમાં સૌપ્રથમ ભવ્ય શો શુક્રવારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાયો હતો. નરેન્દ્ર મોદીની જન્મભૂમિ વડનગર જ્યાંથી તેમની પ્રેરણાદાયી જીવનયાત્રા શરૂ થઈ અને હવે દેશના વડા પ્રધાન તરીકે તેમણે ભારતને વિશ્વ ગૌરવ અપાવ્યું ત્યાં સુધીની સમગ્ર રોમાંચક સફર તથા રાષ્ટ્રને સમર્પિત તેમના જીવનની વણ કહી બાજુઓની પ્રસ્તુતિ માત્ર સાંસ્કૃતિક પ્રસ્તુતિ જ નહિ, રાષ્ટ્રીય જનચેતનાના આંદોલનને પ્રેક્ષકોની નજર સમક્ષ તાદૃશ કરનારી બની રહી હતી.

નરેન્દ્ર મોદીએ વડનગરની શાળાના સાહસિક વિદ્યાર્થી તરીકે શરૂ થયેલી સફર સોમનાથ-અયોધ્યા રથયાત્રા, કાશ્મીર સુધીની એકતાયાત્રા અને અલગાવવાદીઓની ધમકીનો પડકાર ઝિલી લઈને શ્રીનગરના લાલચોકમાં તિરંગો લહેરાવવા તેમજ વડા પ્રધાન તરીકે દેશની સેનાને તેમણે આપેલા માર્ગદર્શનથી ઓપરેશન સિંદૂરની શૌર્યગાથા, રામ મંદિર નિર્માણનો સંકલ્પ સાકાર થવા સહિતના સમગ્ર ઘટનાક્રમનું દ્રશ્ય-શ્રાવ્ય અને સંગીતમય મંચન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર સહિત 200થી વધુ કલાકારોએ ગિફ્ટ સિટી પરિસરને રાષ્ટ્રભક્તિમય બનાવી દીધું હતું.

વિશાળ સંખ્યામાં આ શૉને નિહાળવા ઉમટી પડેલી યુવાશક્તિ અને સમાજ જીવનના અગ્રણીઓની ઉપસ્થિતિએ પુરવાર કર્યુ કે, ‘મેરા દેશ પહલે’ એ માત્ર કોઈ સામાન્ય શૉ નહિં, પરંતુ નવી પેઢીની વિચારધારાનું પ્રતીક બની ગયો છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button