ગાંધીનગરટોપ ન્યૂઝ

ગુજરાતમાં મેઘતાંડવ યથાવતઃ 245 તાલુકામાં વરસાદ વરસ્યો, 15 મોત

આગામી ત્રણ દિવસ ભારે, જો ભારે વરસાદ પડ્યો તો 'અમંગળ'ના એંધાણ

ગાંધીનગરઃ ગુજરાતમાં અવિરત પડી રહેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોના જીવ પડીકે બંધાયા છે. વરસાદી આફતને લઈ રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકારે બચાવ કામગીરી માટે એનડીઆરએફ, એસડીઆરએફ તેમ જ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને ખડેપગે રહેવાનો આદેશો આપ્યા છે તેમ જ કેન્દ્ર સરકારે આર્મીની પાંચ કોલમને તહેનાત કરી છે. એનડીઆરએફની 14, એસડીઆરએફની 22 પ્લાટુન કાર્યરત છે, જ્યારે જામનગરમાં બે એરફોર્સની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજા મુસીબત લાવ્યાઃ બચાવ-રાહત કામગીરી માટે NDRF સાથે આર્મીને તહેનાત કરાઈ

ગુજરાતમાં મંગળવારે સવારના છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી 245 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં 14 કલાકમાં સૌથી વધુ વરસાદ પોરબંદરના રાણાવાવ તાલુકામાં પડ્યો હતો. અમદાવાદ-પોરબંદર, આણંદ, ગાંધીનગર અને વડોદરા જિલ્લાની શાળાઓ આવતીકાલે બંધ રહેશે, જ્યારે અસરગ્રસ્ત વિસ્તારની સ્કૂલ માટે વહીવટી પ્રશાસન દ્વારા નિર્ણય લેવા જણાવ્યું હતું.
આગામી 72 કલાક જોખમ તોળાઈ રહ્યું છે

આ પણ વાંચો: કચ્છમાં ‘આફત’નો વરસાદઃ 7 તાલુકામાં ૨૦થી ૪૦ ઇંચ મોસમનો કુલ વરસાદ નોંધાયો

રાજ્યના મહાનગર અમદાવાદ, રાજકોટ, જામનગર, પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ લોકોને સંકટમાં મૂક્યા છે, તેથી સરકારે કટોકટીના તબક્કામાં લોકોને મદદ કરવા જાહેરાત કરી છે. શનિવારથી પડી રહેલા ભારે વરસાદ વચ્ચે જન્માષ્ટમીના એક જ દિવસમાં સિઝનનો અગિયાર ટકા વરસાદ ખાબક્યો છે, જ્યારે વરસાદ સંબંધિત વિવિધ બનાવમાં પંદર લોકોના મોત તથા હજારો લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. હજુ આગામી 72 કલાક કચ્છ અને કાઠિયાવાડની સાથે ભારે વરસાદ પડવાને કારણે વધુ મુશ્કેલીનું નિર્માણ થઈ શકે.

જામનગર પોલીસ ચોકી તણાઈ, વીડિયો વાઈરલ

ભારે વરસાદને પગલે ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાના રહેવાસીઓને મદદ કરવા માટે આર્મીની વિશેષ મદદ પૂરી પાડવાની જાહેરાત કરી છે. તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે બચાવ અને રાહત તેમ જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે છ કોલમની ફાળવણી કરી છે. મેઘરાજા વેરેલા વિનાશ વચ્ચે રાજકોટ, મોરબી, જામનગર સહિત દ્વારકામાં કોલમ ડિપ્લોય કરવાની જાહેરાત કરાઈ છે. જામનગરમાં ભારે વરસાદના અહેવાલ વચ્ચે રસ્તા અને મેદાનોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે એક બાઈક ચાલક ડૂબ્યો હતો, જેને એજન્સીના જવાનો દ્વારા બચાવવામાં આવ્યો હતો. પોલીસ ચોકીની સાથે વાહનો પાણીમાં તણાયાનો વીડિયો વાઈરલ થયો હતો.



જળાશયોમાં પાણીની મોટી આવક

ગુજરાતમાં અવિરત વરસાદને કારણે મોટા ભાગના જિલ્લા પુષ્કળ વરસાદ નોંધાયો છે, તેનાથી પુલ તૂટવાની સાથે મોટું નુકસાન પણ થયું છે, પરંતુ રાજ્યમાં સાર્વત્રિક વરસાદથી 76 જળાશયમાં પાણીનો મોટો સ્ટોક જમા થયો છે. સૌથી મોટા સરદાર સરોવરમાં પાણીની સપાટીમાં જોરદાર વધારો થયો છે, તેનાથી પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ વધતી સપાટીએ મુદ્દે સ્થાનિક ગામડાના રહેવાસીઓને સતર્ક કરવામાં આવ્યા છે. રાજ્યના 76 જળાશયો 100 ટકાથી વધુ છલાકાયા છે, જ્યારે જળાશયો-ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાતાં હાઇ ઍલર્ટ જાહેર કરાયા છે. ઉપરાંત, 23 ડેમ પચાસ ટકાથી 70 ટકા ભરાતાં ઍલર્ટ કરવામાં આવ્યા છે.

વડોદરામાં ગંભીર સ્થિતિ, મગરો શહેરમાં ઘૂસ્યા

વરસાદી પાણીને કારણે નદીઓમાં જોરદાર આવક થઈ છે. વડોદરામાં વડસર, કારેલીબાગ, ફતેગંજ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. કાલાઘોડા પુલ, અકોટા પુલ, મંગલ પાંડે વગેરે પુલ પર વરસાદી પાણીની સપાટી ભયજનકે પહોંચી હતી, જ્યારે નીચાણવાળા વિસ્તારોની સોસાયટી, ઘર, દુકાનો અને ગોડાઉનમાં પાણી ફરી વળતા લોકોને ભયંકર નુકસાન સહન કરવાની નોબત આવી હતી. વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો રહે છે, જ્યારે ભારે વરસાદને પગલે મગરો શહેરના માર્ગો અને વસાહતી વિસ્તારોમાં ઘૂસવાને કારણે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રાજકોટમાં 15 ઈંચથી વધારે વરસાદ

રાજકોટમાં 72 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 15 ઈંચથી વરસાદ પડ્યો છે તેમ જ હજુ વરસાદ ચાલુ જ છે. શહેરમાં વરસાદી પાણીના ભરાવાને લીધે સ્થાનિક લોકોને પારાવાર સમસ્યા ઊભી થઈ છે, જેમાં રોજ એક ટંક મજૂરી કરીને પેટ રળનારા લોકોનો સમાવેશ થાય છે.

પાટણ સિદ્ધપુરમાં ભારે વરસાદ

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યા પછી બે-ત્રણ દિવસથી ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે, જેમાં છેલ્લા 24 કલાકમાં સિદ્ધપુર-પાટણમાં ભારે વરસાદ પડ્યો છે. સિદ્ધપુરમાં પેપલલ્લા વિસ્તારમાં પાણી ભરાયા બાદ સેંકડો લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રાધનપુર, પાટણ, હારીજ, સાંતલપુર, ચાણસ્મા સહિત તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં 600થી વધુ રસ્તા બંધ

ગુજરાતમાં ભારે વરસાદને કારણે જાહેર રસ્તાઓ અને હાઈ-વે પર વરસાદી પાણી ફરી વળ્યા છે, જ્યારે રસ્તાઓ તૂટવાને કારણે વાહનવ્યવહાર પર ગંભીર અસર થઈ છે. રાજ્યના લગભગ 600થી વધુ રસ્તા બંધ કરવાની નોબત આવી છે, જ્યારે 40થી વધુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અસર થઈ છે. અન્ય માર્ગની વાત કરવામાં આવે તો કુલ 44 રસ્તા બંધ કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ ખેડા, આણંદ, નડિયાદનો સમાવેશ થાય છે. ઉપરાંત, નવસારી, વલસાડ, છોટા ઉદેપુરના રોડનો સમાવેશ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button