
ગાંધીનગર: રાજ્યના વિવિધ સ્થળોએ હાલ સ્પોર્ટ્સ એડવેન્ચર એક્ટિવિટી થઈ રહી છે. આ સ્થળોએ લોકોની સલામતી સુનિશ્ચિત કરવા અને પ્રવાસનને વેગ આપવા રાજ્ય સરકાર એક નવું બિલ લાવવાનું વિચારી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ પ્રસ્તાવિત બિલ આવતા મહિને ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન રજૂ થાય તેવી શક્યતા છે.
આ બિલ તમામ સાહસિક રમતગમતના સંચાલકો માટે કડક નોંધણી આવશ્યકતાઓને ફરજિયાત બનાવશે. સર્વિસ પ્રોવાઈડરકને જરૂરી લાયસન્સ મેળવવા, યોગ્ય દસ્તાવેજો જાળવવા અને તેમના સાધનો નિર્ધારિત સલામતી ધોરણોને પૂર્ણ કરે છે તેની ખાતરી કરવી પડશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કામગીરીની દેખરેખ માટે એક રેગ્યુલેટરી ઓથોરિટીની પણ નિમણૂક કરવામાં આવશે.
સૂત્રો અનુસાર, રેગ્યુલેટરી ઓથોરિટી સ્પોર્ટ્સ એડવેન્ચરના સંચાલકોને પરમિટ અને લાયસન્સ આપવા, સાધનો અને સુવિધાઓનું નિયમિત નિરીક્ષણ કરવા, સ્પોર્ટ્સ એડવેન્ચરના સ્થળોને પ્રમાણિત કરવા, સેફટી પ્રોટોકોલનું નિરીક્ષણ અને સમયાંતરે ઓડિટ, અકસ્માતો અથવા સલામતી ભંગની તપાસ કરવા માટે જવાબદાર રહેશે. આ કાયદો પર્વતારોહણ, ટ્રેકિંગ, રણ અભિયાન, વોટર સ્પોર્ટ્સ, પેરાસેલિંગ, રોક ક્લાઇમ્બિંગ, રિવર રાફ્ટિંગ અને ઝિપ લાઇનિંગ સહિતની સાહસિક પ્રવૃત્તિઓની શ્રેણીને આવરી લેશે.
પ્રસ્તાવિત કાયદાના સલામતી પાસાઓ પર ટિપ્પણી કરતા સૂત્રોએ જણાવ્યું હતું કે, તમામ સાહસિક રમતગમતના પ્રશિક્ષકો અને માર્ગદર્શકો માટે વ્યવસાયિક પ્રમાણપત્ર ફરજિયાત બનાવવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમણે તેમના સંબંધિત ક્ષેત્રોમાં પર્યાપ્ત તાલીમ અને કુશળતા દર્શાવવી પડશે. ઓથોરિટી દ્વારા પ્રમાણિત કરવામાં આવેલા સર્ટિફાઈડ પ્રોફેશનલ્સનો ડેટાબેઝ જાળવવો પડશે તેમજ તેમના દેખાવનું નિરીક્ષણ કરવું પડશે.
પોલીસ અને ફાયર સર્વિસ સહિતના સ્થાનિક સત્તાવાળાઓ રેગ્યુલેટરી ઓથોરિટી સાથે સંકલન કરીને ઈમરજન્સી અને સેફટી નિયમોના અસરકારક અમલીકરણની ખાતરી કરશે.
પ્રસ્તાવિત કાયદો ગુજરાતને જે રાજ્યોએ પહેલાથી જ સ્પોર્ટ્સ એડવેન્ચરને લઈ નિયમો બનાવ્યા છે તેમની સમકક્ષ લાવશે. આ પગલાંથી કડક સલામતીના જાળવી રાખીને એડવેન્ચેર ટુરિઝમને વેગ આપવામાં મદદ કરશે. આ પગલાથી એડવેન્ચર ટુરિઝમ ક્ષેત્રે નવી રોજગારીની તકો પણ ઊભી થવાની અપેક્ષા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, એકવાર બિલ પસાર થઈ જાય પછી, હાલના સંચાલકોને નવા નિયમોનું પાલન કરવા માટે સમય આપવામાં આવશે અને તબક્કાવાર અમલ કરવામાં આવશે. રેગ્યુલેટરી ઓથોરિટી નવી જરૂરિયાતને સરળતાથી અપનાવવા માટે આ સમયગાળા દરમિયાન માર્ગદર્શન અને સહાય પૂરી પાડશે.
આ પણ વાંચો…હિમાચલમાં પેરાગ્લાઈડર ક્રેશ થતા ગુજરાતના પ્રવાસીનું મોત: 6 મહિનામાં બીજો બનાવ…