
ગાંધીનગરઃ ગુજરાત સહિત વિશ્વભરમાં તા.૩ માર્ચને વિશ્વ વન્યજીવન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વાવવામાં આવેલા વૃક્ષો આગામી સમયમાં દેશભરની માનવ જીવન-વન્યજીવ સૃષ્ટિના રહેઠાણ માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેમ, વન અને પર્યાવરણ પ્રધાન મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ અભિયાન અંતર્ગત ગુજરાતે સમગ્ર દેશમાં ફેબ્રુઆરી-૨૦૨૫ની સ્થિતિએ બીજા નંબરે સૌથી વધુ ૧૭.૩૨ કરોડથી વધુ વૃક્ષારોપણ કરી રાજ્યમાં ગ્રીન કવરમાં વધારો કરવા નવો કીર્તિમાન-રેકોર્ડ સ્થાપ્યો છે. જ્યારે વસ્તી-વિસ્તારના સાપેક્ષમાં ઉત્તરપ્રદેશ ૩૯.૫૧ કરોડ વૃક્ષારોપણ સાથે દેશમાં પ્રથમ ક્રમે છે.
વન પ્રધાન મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડા પ્રધાનના પર્યાવરણલક્ષી ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો ગુજરાતમાં સૌ પ્રથમ ગાંધીનગરથી પોતાના માતાના નામે એક વૃક્ષ વાવીને પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાનમાં સહભાગી થઈને ગુજરાતના મંત્રી મંડળના સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ, શૈક્ષણિક-સ્વૈચ્છિક સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમી નાગરિકોએ પોતાની માતાની યાદમાં એક વૃક્ષ વાવીને તેને ઉછેરવાની કાળજી લઈ રહ્યા છે. આ જન અભિયાનના પરિણામ સ્વરૂપે ગુજરાત આજે ઉત્તરપ્રદેશ બાદ સમગ્ર દેશમાં બીજા ક્રમે છે પરંતુ વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ઉત્તરપ્રદેશ દેશમાં સૌથી વધુ અંદાજે ૧૯.૯૮ કરોડની વસ્તી ઉપરાંત ૨,૪૦,૯૨૮ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવતું રાજ્ય છે. જેની તુલનામાં ગુજરાત અંદાજે ૬ કરોડથી વધુ વસ્તી તેમજ ૧,૯૬,૦૨૪ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે તે જોતા ગુજરાત વૃક્ષારોપણમાં દેશમાં અગ્રેસર છે તેમ કહી શકાય.
વન અને પર્યાવરણ રાજ્ય પ્રધાન મુકેશભાઈ પટેલે આ અભિયાન હેઠળ વિવિધ જિલ્લાઓમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં થયેલા વૃક્ષારોપણની વિગતો આપતાં કહ્યું કે, તા. ૨૭ ફેબ્રુઆરી-૨૦૨૫ની સ્થિતિએ ગ્રામીણ વિસ્તારમાં ૧૫.૭૧ કરોડ જ્યારે શહેરી વિસ્તારમાં ૧.૬૦ કરોડ વૃક્ષો વાવવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ કુલ ૨.૯૪ કરોડ વૃક્ષારોપણ સાથે રણ વિસ્તારની ઓળખ ધરાવતો કચ્છ જિલ્લો રાજ્યમાં પ્રથમ નંબર પર છે. આ સિવાય વૃક્ષારોપણમાં અનુક્રમે જામનગર જિલ્લામાં ૧.૦૧ કરોડ, અમદાવાદ જિલ્લામાં ૭૩.૮૭ લાખ, બનાસકાંઠામાં ૭૨.૮૩ લાખ, ખેડામાં ૭૦.૬૩ લાખ, સુરતમાં ૬૯.૭૨ લાખ, નર્મદામાં ૬૧.૧૩ લાખ, સુરેન્દ્રનગરમાં ૫૬.૯૧ લાખ, વલસાડમાં ૫૩.૫૫ લાખ, દાહોદ જિલ્લામાં ૫૧.૯૯ લાખ તેમજ સાબરકાંઠામાં ૫૦.૬૨ લાખ એમ કુલ ૩૩ જિલ્લામાં ગ્રામીણ અને શહેરી વિસ્તાર મળીને કુલ ૧૭.૩૨ કરોડથી વધુ વૃક્ષો ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં વાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો…ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગરમી ગાભા કાઢશે, ફેબ્રુઆરીમાં તૂટ્યો 125 વર્ષનો રેકોર્ડ
‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત સૌથી વધુ વૃક્ષો વાવવામાં સમગ્ર દેશમાં અનુક્રમે ઉતરપ્રદેશ, ગુજરાત, તેલંગાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો પ્રથમ પાંચ ક્રમમાં સમાવેશ થાય છે.