કચ્છનો દરિયાકાંઠો ‘બ્લૂ ઇકોનોમી’નું પાવરહાઉસ બનશે, જખૌ બંદરને 121 કરોડના ખર્ચે આધુનિક બનાવાશે…

ગાંધીનગર: ગુજરાતને મળેલા વિશાળ દરિયા કિનારામાં કચ્છ સૌથી વધુ દરિયાનો વિસ્તાર ધરાવે છે. ત્યારે આવનારા સમયમાં દેશમાં બ્લૂ ઇકોનોમીના વિકાસમાં કચ્છ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. રાજ્યમાં મત્સ્ય ઉત્પાદનમાં વધારો કરવા અને માછીમારોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ કરવા માટે ગુજરાત સરકારે પણ વિવિધ પ્રોત્સાહક પગલાંઓ અને નીતિઓ અમલમાં મૂક્યા છે. તેના પરિણામ સ્વરૂપે ગુજરાત આજે દરિયાઈ માછલીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં બીજા સ્થાન પર છે. બ્લૂ ઇકોનોમીને વેગ આપવા જખૌ બંદરમાં રૂપિયા 121 કરોડના ખર્ચે આધુનિકસભર જેટી તથા હાર્બર બનશે
સરકારે સાગરમાલા પ્રોજેક્ટ અમલી કર્યો
બ્લૂ ઇકોનોમીનો અર્થ માત્ર માછીમારી કે જહાજવાડાથી જ નથી, પરંતુ સમુદ્ર આધારિત સમગ્ર આર્થિક માળખાનો સમાવેશ થાય છે. જેમાં મરીન બાયોટેક્નોલોજી, ગ્રીન એનર્જી, ગહન સમુદ્ર સંશોધન, ઇકો-ટુરિઝમ, પોર્ટ- લોજિસ્ટિક્સ અને સ્માર્ટ ફિશિંગ વગેરેનો સમાવેશ થાય છે. સાયન્સ અને ટેક્નોલોજી મંત્રી ડો.જીતેન્દ્ર સિંહના કહેવા મુજબ, બ્લૂ ઇકોનોમી ભારતની હરિત વિકાસ યાત્રાનું નવો પાયો બની શકે છે. બંદરોને આધુનિક બનાવવાની સાથે વેપારમાં ઝડપ લાવવા સરકારે સાગરમાલા પ્રોજેક્ટ અમલી કર્યો છે.
કચ્છ જિલ્લાનું દરિયાઈ ઉત્પાદન 59213 મેટ્રિક ટન
ગુજરાતના અન્ય જિલ્લા કરતા સૌથી વધારે 25. 38 ટકા વિસ્તાર ધરાવે છે. કચ્છ જિલ્લામાં બોટોમાં મુખ્યત્વે ગીલનેટ, ડોલનેટ, પટ્ટીજાળ તથા ચક્કર જાળ દ્વારા માછીમારી કરવામાં આવે છે. કચ્છ જિલ્લામાં મુખ્ય પાપલેટ, સુરમાઈ, ઝીંગા, લોબસ્ટર (ટીટણ) પલ્લી, પાલવા, રાઉસ, બોઇ-ગાંધીયા, કરચલા તેમજ અન્ય ઘણી પ્રજાતિઓની માછીમારી કરવામાં આવે છે, જે માર્કેટમાં ખૂબ ઊંચું મૂલ્ય ધરાવે છે. કચ્છમાં કંડલા, જખૌ, મુન્દ્રા, માંડવી, તુણા સહિતના બંદર ધમધમી રહ્યા છે. જેમાં જખૌ મત્સ્ય બંદર છે. કચ્છ જિલ્લાનું દરિયાઈ ઉત્પાદન 59213 મેટ્રિક ટન કે જે રૂ.165 પ્રતિ કિલો મુજબ રાજ્યે અંદાજે 98,000 લાખનું હૂંડિયામણ કચ્છ જિલ્લામાંથી મેળવેલું છે.
ખામીઓને દૂર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી
મત્સ્યઉદ્યોગનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધે તેમજ માછીમારોની આજીવિકામાં વધારો થાય તેવા હેતુથી કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY)સમગ્ર દેશમાં લાગુ કરી છે, જેમાં મત્સ્યોદ્યોગ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, મત્સ્ય ઉત્પાદન, ઉત્પાદકતા અને ગુણવત્તાથી લઇને ટેક્નોલૉજી, પોસ્ટ-હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્કેટિંગ સુધીની ફિશરીઝ વેલ્યુ ચેઇનમાં રહેલી મહત્વપૂર્ણ ખામીઓને દૂર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ વેલ્યુ ચેઇનને આધુનિક અને મજબૂત બનાવવાનો, ટ્રેસેબિલિટી એટલે કે શોધક્ષમતા વધારવાનો અને એક મજબૂત મત્સ્યપાલન વ્યવસ્થાપન માળખું સ્થાપિત કરવાની સાથે-સાથે માછીમારોનું સામાજિક-આર્થિક કલ્યાણ સુનિશ્ચિત કરવાનો છે.



