ગૂગલ પર કેમ સર્ચ થઈ રહ્યું છે’સોમનાથ: ધ શ્રાઇન ઈટર્નલ‘ પુસ્તક, જાણો શું છે ખાસ

ગાંધીનગરઃ મહંમદ ગઝનીના સોમનાથ મંદિર પર કરવામાં આવેલા હુમલા ને 1000 વર્ષ પુરા થવામાં આવ્યા છે. આ વિદેશી આક્રમણખોર દ્વારા થયેલો હુમલો ભારતની અસ્મિતા ઉપર કુઠરાઘાત સામાન હતો. આ એક હજાર વર્ષના સંદર્ભે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવેલા ખાસ લેખમાં એક વિશેષ પુસ્તકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પુસ્તક વિશે જાણવા માટે જિજ્ઞાસુઓ ગૂગલ સર્ચ એન્જિન ચલાવી રહ્યા છે.
આ પુસ્તક એટલે કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા 1951માં લખાયેલું ‘સોમનાથ: ધ શ્રાઇન ઈટર્નલ‘ ! આ પુસ્તકમાં ભગવાન સોમનાથના મંદિર વિશે ઐતિહાસિક અને ધાર્મિક મહત્વનો પરિચય આપવામાં આવ્યો છે. વડાપ્રધાન શ્રી દ્વારા થયેલા ઉલ્લેખના કારણે હાલમાં આ પુસ્તક ચર્ચા અને વાંચનના કેન્દ્રસ્થાને છે, ત્યારે આ પુસ્તક વિશે જાણવું રસપ્રદ બની રહેશે
ગુજરાતની અસ્મિતાના જ્યોતિર્ધર એવા ક. મા. મુનશીનો પરિચય ગુજરાતીઓને આપવો ન પડે. તેઓ રાજકીય પુરુષ ઉપરાંત એક સારા લેખક હતા. તેમના પુસ્તકોના કેન્દ્રસ્થાને ઇતિહાસ અને સાંસ્કૃતિક સહિતના વિષયો રહ્યા છે. ગુજરાતીઓ અંગ્રેજીમાં લખાયેલા પુસ્તકો વાંચવાની બહુ ખાસ આદત ધરાવતા નથી. અંગ્રેજીમાં પણ ગુજરાત અને ગુજરાતના ઇતિહાસ વિશે ઘણું બધું લખાયું છે, તેમાં કનૈયાલાલ મુનશીને પણ શિરમોર ગણી શકાય.
તેમણે લખેલા પાટણની પ્રભુતા, જય સોમનાથ, ગુજરાતનો નાથ, ભગ્ન પાદુકા, કૃષ્ણાવતાર ભાગ 1 થી 7 જેવા પુસ્તકો વાંચવાથી ગુજરાતનો ઇતિહાસ ઉપરાંત ધાર્મિક વિભૂતિઓની રસપ્રદ વિગતો સ્થળકાળ સાથે જાણવા મળે છે.
સોમનાથ – ધ ઇન્ટર્નલ શ્રાઇન પુસ્તકમાં કનૈયાલાલ મુનશીએ ભગવાન શ્રી સોમનાથના મંદિરનો ઐતિહાસિક અને પુરાતત્વીય પરિચય આપ્યો છે. તેમણે સોમનાથ મંદિરને ભારતની અસ્મિતાનું પ્રતીક ગણાવ્યું છે. શા માટે આ મંદિર ભારતની સાંસ્કૃતિક ધરોહર રૂપ માટે મહત્વનું છે ? તેનો ખ્યાલ આ પુક્તક વાંચવાથી આવી શકે છે. હાલમાં સોમનાથ ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે આ પુસ્તક વિશે પણ જાણવું મહત્વનું છે.
આ પુસ્તક ભારતીય વિદ્યા ભવનની ‘બુક્સ યુનિવર્સિટી’ શ્રેણી હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિના મૂળભૂત મૂલ્યોનું આધુનિક જ્ઞાન સાથે સંયોજન કરવાનો છે.
મુનશીએ આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ મે ૧૯૫૧માં સોમનાથ મંદિરના પુનઃસ્થાપન અને જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે લખી હતી. લેખક પોતે સ્વીકારે છે કે તેમણે શૈક્ષણિક વિદ્વત્તાના દાવા વિના, પરંતુ એક અત્યંત શ્રદ્ધાળુ અને ઇતિહાસના જિજ્ઞાસુ તરીકે આ પુસ્તક ખૂબ જ ટૂંકા સમયમાં તૈયાર કર્યું હતું. જેથી સોમનાથના ઇતિહાસને લોકો સમક્ષ મૂકી શકાય.
આ પુસ્તકનો હેતુ ઉચ્ચ શિક્ષણ અને સંસ્કાર આપવાનો છે. આ પુસ્તક દ્વારા માનવીની ગરિમા અને નૈતિક વ્યવસ્થા (Moral Order) ની સ્થાપના કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી મનુષ્ય ભગવાનનો સાચો અંશ બની શકે.
પુસ્તક મુખ્યત્વે ચાર ભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ ભાગમાં સોમનાથની પૌરાણિક કથાઓ અને ઇતિહાસ છે; બીજા ભાગમાં ‘રોમાન્સ ઇન સ્ટોન’ એટલે કે પથ્થરોમાં કંડારાયેલું સ્થાપત્ય છે; ત્રીજા ભાગમાં પુરાતત્વીય ઉત્ખનન (Excavations) દ્વારા મળેલા પુરાવાઓ છે; અને ચોથા ભાગમાં મુસ્લિમ ઇતિહાસકારોના લખાણો અને વિવિધ શિલાલેખોની વિગતો આપવામાં આવી છે.
લેખકે સોમનાથને ‘ચંદ્રના દેવ’ (Lord of Soma) તરીકે વર્ણવ્યું છે અને પ્રભાસ ક્ષેત્રના ઐતિહાસિક મહત્વની ચર્ચા કરી છે. મંદિર રાખમાંથી ફરી બેઠું થતા ‘ફીનિક્સ’ પક્ષીની જેમ રાખમાંથી બેઠું થઈ અનેક વિનાશ પછી પણ અજેય રહ્યું છે. પુસ્તકમાં ભગવાન શ્રીકૃષ્ણના દેહોત્સર્ગના પવિત્ર સ્થાનનો પણ ઉલ્લેખ છે.
આ પુસ્તકમાં સોમનાથ પર થયેલા આક્રમણોનો વિગતવાર ઇતિહાસ છે. ૧૦૨૫માં ગઝનીના મહમૂદ દ્વારા કરવામાં આવેલા વિનાશથી લઈને અલાઉદ્દીન ખિલજી અને ઔરંગઝેબના સમય સુધીના કપરા કાળનું વર્ણન અહીં જોવા મળે છે. મુનશીજીએ આ વિનાશને માત્ર ઈમારતનો ધ્વંસ નહીં, પરંતુ રાષ્ટ્રીય આત્મા પર થયેલા આઘાત તરીકે રજૂ કર્યો છે.
પુસ્તકનો એક મહત્વનો હિસ્સો સોમનાથના આધુનિક પુનરુત્થાન પર કેન્દ્રિત છે. ૧૩ નવેમ્બર ૧૯૪૭ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલે જર્જરિત મંદિરના પટાંગણમાં સમુદ્રના પાણી સાથે જે સંકલ્પ કર્યો હતો, તેને ક. મા. મુનશીએ ભારતના ગૌરવની પુનઃસ્થાપના તરીકે આલેખ્યો છે.
પુસ્તકમાં બી. કે. થાપર દ્વારા કરવામાં આવેલા વૈજ્ઞાનિક ઉત્ખનનનો રિપોર્ટ પણ સામેલ છે. આ વિભાગમાં પૃથ્વીના પેટાળમાંથી મળેલા પ્રાચીન મંદિરોના સ્તરો, શિલાલેખો અને મૂર્તિઓના આધારે મંદિરના પ્રાચીન સ્થાપત્યની કડીઓ જોડવામાં આવી છે, જે ઇતિહાસના વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી છે.
પુસ્તકની નવી આવૃત્તિઓમાં નવા મંદિરના નિર્માણની પ્રગતિ વિશે પણ જણાવવામાં આવ્યું છે. નવા મંદિરને ‘કૈલાસ મહા મેરુ પ્રસાદ’ તરીકે ઓળખાવવામાં આવ્યું છે, જેની ઊંચાઈ ૧૫૫ ફૂટ છે. પુસ્તકમાં અનેક રેખાચિત્રો અને ફોટોગ્રાફ્સ છે. જે સોમનાથની કલાત્મક ભવ્યતાના દર્શન કરાવે છે.
‘સોમનાથ: ધ શ્રાઇન ઈટર્નલ‘ એ માત્ર ઇતિહાસનું પુસ્તક નથી, પરંતુ તે ભારતીય પ્રજાની અખંડ શ્રદ્ધાનું પ્રતીક છે. મુનશીજીના મતે સોમનાથ એ ‘અનંત જ્યોતિ’ છે, જે પેઢી દર પેઢી ભારતને તેના સાંસ્કૃતિક મૂળ સાથે જોડી રાખે છે અને સ્વાભિમાનથી જીવવાની પ્રેરણા આપે છે. જે રીતે ગંગા નદી પહાડોમાંથી નીકળીને અનેક વળાંકો લેવા છતાં સમુદ્ર સુધી પહોંચીને પોતાની પવિત્રતા ટકાવી રાખે છે, તે રીતે સોમનાથનો ઇતિહાસ પણ સંઘર્ષો છતાં પોતાની ગરિમા જાળવી રાખી ‘અનંત’ રહ્યો છે, જેનું સચોટ ચિત્રણ આ પુસ્તકમાં જોવા મળે છે.
આ પણ વાંચો…પીએમ મોદી શનિવારે સોમનાથની મુલાકાતે, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે



