દારૂના અડ્ડા ચાલતા હોય તો મને જાણ કરો, હું તમારી સાથે ઊભો રહીશ, જાણો ગુજરાત ભાજપના કયા ધારાસભ્યએ આપ્યું નિવેદન

ગાંધીનગરઃ ગુજરાતમાં કહેવા પૂરતી જ દારૂબંધી હોય તેમ સમયાંતરે દારૂનો જથ્થો ઝડપાયો રહે છે. આ દરમિયાન ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મોટું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું- દારૂના અડ્ડા ચાલતા હોય તો મને જાણ કરો, હું તમારી સાથે ઊભો રહીશ. અલ્પેશ ઠાકોરના આ નિવેદનથી ફરી એક વાર નવી ચર્ચા શરૂ થઈ હતી.
ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે અમદાવાદના ચાંદખેડામાં યોજાયેલા ભાજપના નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં કહ્યું, જો ક્યાંય પણ દારૂના અડ્ડા ચાલતા હોય તો મને કહેજો હું જાતે દારૂના અડ્ડા ઉપર આવીશ. જો વિસ્તારમાં કોઈપણ ગરીબ કે સામાન્ય વ્યક્તિને અસામાજિક તત્વો હેરાન કરતા હોય, રંજાડતા અથવા હપ્તાખોરી કરતા હોય તો મને કહેજો હું પાછો નહીં પડું. જો કોઈ મારું નામ કોઈ લેતું હોય તો પણ ને કહેજો હું તમારી સાથે આવીશ.
આ ઉપરાંત તેમણે કહ્યું, માત્ર દારૂ જ નહીં કોઈપણ અસમાજિક પ્રવૃત્તિ તમારા ઘરની બાજુમાં ચાલતી હોય તો જાણ કરજો. દરેકને વ્યસન મુક્ત જમાઈ જોઈએ છે પણ કોઈને વ્યસન મુક્ત જમાઈ આપવો નથી, જેથી આપણા નબીરાનું પણ ધ્યાન રાખજો.
અલ્પેશ ઠાકોરે કહ્યું મને બધી ખબર ના હોય. તમારે મારૂં ધ્યાન દોરવાનું હોય. ભાજપનો દરેક કાર્યકર રાષ્ટ્રવાદને ભરેલો છે. જેથી જ્યાં પણ અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં દરેક લોકોએ કટિબદ્ધ થઈને કામ કરવું જોઇએ.



