કિસાન સૂર્યોદય યોજનાઃ ગુજરાતમાં 96 ટકા ગામને દિવસે વીજળી મળ્યાનો સરકારનો દાવો…
ગાંધીનગરઃ ગુજરાતનો સરેરાશ માથાદીઠ વીજવપરાશ ૨,૨૩૮ યુનિટ છે જે દેશની સરેરાશ માથાદીઠ વીજવપરાશ ૧,૨૫૫ કરતાં લગભગ બમણા જેટલો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલી “પીએમ સૂર્યઘર મુફ્ત બીજલી યોજના” હેઠળ દેશના ૧ કરોડના લક્ષ્યાંક સામે ગુજરાતમાં ૨ લાખ ૪૨ હજારથી વધુ વીજ ગ્રાહકોના મકાન પર ૯૦૦ મેગાવોટથી વધુ ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરીને ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.
આ પણ વાંચો : Gujarat સરકારે કર્યો વીજ ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો, ગ્રાહકોને થશે આટલા કરોડનો ફાયદો
કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ૯૬ ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે. જેમાં બાકી રહેતા ૪ ટકા ગામો પૈકી મોટા ભાગના ગામો દેવભૂમિ દ્વારકા, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના છે. આ બાકી રહેલા ૬૩૨ જેટલા ગામના ૧,૫૫,૪૦૧ જેટલા ખેડૂતોને એટલે કે ૪ ટકા ગામના ખેડૂતોને પણ સત્વરે દિવસે વીજળી આપી શકાય તે માટેની કામગીરી પ્રગતિમાં છે અને આ કામગીરી સત્વરે પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, એમ સરકારે જણાવ્યું હતું.
આ ઉપરાંત પીએમ કુસુમ-C યોજના હેઠળ ફીડર લેવલ સોલરાઈઝેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં આગળ પડતું રાજ્ય છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૧૦૮.૫૭૦ મેગાવોટના ૩૭ પ્લાન્ટ કાર્યરત થયા છે, જેનો ૪૮,૬૪૮ ખેતીવાડી વીજ ગ્રાહકોને લાભ મળ્યો છે. હાલમાં ગુજરાત પુનઃપ્રાપ્ય ઊજા (પવન+ સૌર+ હાઈબ્રીડ+ બાયો પાવર)ની ૩૦ ગીગાવોટની કેપેસિટી સાથે સમગ્ર દેશમાં અગ્રેસર છે, એમ ઊર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.
લાખો ખેડૂતોના હિતમાં દિવસે વીજળી આપવાના મહત્વના નિર્ણયનો રાજ્યના ૯૬ ટકા ગામોમાં અમલ કરીને ખેડૂતોને રાત્રે ઉજાગરામાંથી મુક્તિ આપવામાં આવી છે. ગુજરાતના કુલ ૧૮,૨૨૫ ગામ પૈકી ૧૭,૧૯૩ ગામમાં ૨૦,૫૧,૧૪૫ જેટલા ખેતીવાડી વીજ જોડાણો કરવામાં આવ્યા છે. જે પૈકી ૧૬,૫૬૧ ગામના ૧૮,૯૫,૭૪૪ જેટલા ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવાનું શરુ કરી દેવામાં આવ્યું છે, તેમ ઊર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.
સુશાસનના ભાગરૂપે આજે ગાંધીનગર જિલ્લામાં નાનાચીલોડા અને સરગાસણ, બનાસકાંઠાના થરાદ, અમદાવાદના ઘુમા અને બાકરોલ તેમજ ખેડા જિલ્લામાં પીપલગ ખાતે એમ કુલ ૬ નવી પેટા વિભાગીય કચેરીઓ મંજૂર કરવામાં આવી છે, જેમાં અંદાજે ૨૫૧ જેટલા અધિકારી – કર્મચારીઓનું મહેકમ પણ મંજૂર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Ahmedabad ના થલતેજના ટાઇટેનિયમ બિલ્ડિંગમાં આગ લાગી, કોઇ જાનહાનિ નહિ
વધુમાં, છેલ્લા ત્રણ વર્ષમાં ૩૦ નવી પેટા વિભાગીય અને ૩ વિભાગીય કચેરીઓ મંજૂર કરીને રાજ્ય સરકારે સતત ખેડૂતોના હિતની ચિંતા કરી છે. છેલ્લા દાયકામાં ખેડૂતોને ૧૦ લાખ જેટલા નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવ્યા છે, એટલે કે વર્ષે સરેરાશ ૧ લાખ જેટલા નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવ્યા છે. હાલમાં નવીન ખેતીવાડી વીજ જોડાણ આપવામાં કોઈ પણ જાતનો વાંધો કે વિરોધ ન આવે તો ૩-૪ મહિનામાં વીજ જોડાણ અપાશે.