ગુજરાતના પશુઓમાંથી ખરવા-મોવાસા રોગ નામશેષ થવાના આરે: ૬૯.૫૧ લાખથી વધુ પશુઓને ઇયર ટેગીંગ થકી આગવી ઓળખ અપાઈ

ગાંધીનગરઃ ગુજરાતના પશુપાલકો વધુ આવક મેળવી આર્થિક સમૃદ્ધતા તરફ આગળ વધે અને સ્વનિર્ભર બને તે રાજ્ય સરકારની નેમ છે. રાજ્યમાં ગાય-ભેંસોની દૂધ ઉત્પાદકતા વધારવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તેમજ પશુપાલન પ્રધાન રાઘવજી પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્ય સરકારનો પશુપાલન પ્રભાગ સતત પ્રયત્નશીલ છે.
રાજ્યમાં પશુપાલન અને ડેરી વ્યવસાયને વેગ મળે તેવા ઉમદા હેતુસર પશુપાલકોને તેમના ગામમાં જ વિનામૂલ્યે પશુ સારવાર સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે પશુ દવાખાના અને ફરતા પશુ દવાખાનાની માળખાકીય સવલતોમાં ઉતરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. સાથો-સાથ વિવિધ રોગ સામે પશુઓમાં રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે તે માટે સમયાંતરે જરૂરી રસીકરણની કામગીરી પણ ઝુંબેશ સ્વરૂપે હાથ ધરી રાજ્યના પશુપાલકોની આવકમાં વધારો કરવાની દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
દૂધાળા પશુઓમાં ખાસ કરીને ખરવા-મોવાસા અને ચેપી ગર્ભપાત (બ્રુસેલ્લોસિસ) – આ બંને રોગમાં પશુઓમાં મૃત્યુ પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે, પરંતુ અસરગ્રસ્ત પશુના દૂધ ઉત્પાદનમાં ખૂબ જ લાંબા સમય સુધી નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. જેથી આ બંને રોગ પશુપાલકને આર્થિક રીતે પાયમાલ કરનારા પૂરવાર થાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા આ બંને રોગના અસરકારક નિયંત્રણ માટે મહત્વકાંક્ષી પગલા લેવામાં આવ્યા છે.
વર્ષ ૨૦૧૯માં દેશના વડા પ્રધાન તરીકે બીજી વાર શપથ લીધા બાદની પ્રથમ કેબિનેટ બેઠકમાં જ ભારત સરકારની ૧૦૦ ટકા સહાયથી રૂ. ૧૩,૩૪૩ કરોડની બજેટ જોગવાઈ સાથેનો “નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ” એટલે કે “રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ”ને મંજૂરી આપવામાં આવી હતી. જે અંતર્ગત દેશના પશુઓને ખરવા-મોવાસા રોગ અને બૃસેલ્લોસિસ રોગ (ચેપી ગર્ભપાત રોગ) સામે રક્ષિત કરવા રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.
ભારત સરકારના આ મહત્વકાંક્ષી કાર્યક્રમમાં રાજ્ય સરકાર પણ અસરકારક રીતે સહભાગી થઈ રહી છે. “રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ” અંતર્ગત ઈયર ટેગીંગ દ્વારા પશુધનને આગવી ઓળખ આપવાની કામગીરી ગુજરાત રાજ્યમાં મોટા પાયે હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૫૮ લાખ મોટા પશુઓ અને ૧૧.૫૧ લાખથી વધુ ઘેટાં-બકરા મળીને કુલ ૨૬૯.૫૧ લાખથી વધુ પશુઓને આગવી ઓળખ અપાઈ ચુકી છે. ઘેટાં-બકરાં વર્ગના પશુઓમાં પણ “ઈયર ટેગીંગ” કરી ટોળાની નોંધણી ભારત પશુધન પોર્ટલ પર કરવામાં આવી રહી છે.
“રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ” અંતર્ગત ખરવા-મોવાસા રોગ સામે ગુજરાતમાં અત્યાર સુધીમાં છ રાઉન્ડમાં પશુઓનું વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના કુલ ૯.૮૨ કરોડથી વધુ પશુઓને ખારવા-મોવાસાની રસી આપીને રોગ સામે રક્ષિત કરાયા છે. તાજેતરમાં જ તા. ૧૧ સપ્ટેમ્બરથી સાતમાં રાઉન્ડનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે, જે આગામી તા. ૨૫ ઓક્ટોબર સુધી ચાલશે. સાતમાં રાઉન્ડ માટે ભારત સરકાર તરફથી ગુજરાતને પ્રાપ્ત થયેલો રસીનો જથ્થો તમામ જિલ્લા કક્ષાએ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ સાતમાં રાઉન્ડ હેઠળ રાજ્યના ૧૬૯ લાખ પશુઓને રસીકરણ હેઠળ આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.
તે જ રીતે પશુઓમાં થતા ચેપી ગર્ભપાત (બ્રુસેલ્લોસીસ) રોગને લીધે પશુપાલકોને થતા નુકશાનથી બચાવવા આ રોગનો રસીકરણ એ એકમાત્ર અસરકારક ઉપાય છે. બ્રુસેલ્લોસીસ રસી એ માત્ર ચારથી આઠ માસના ગાય અને ભેંસના બચ્ચાઓને જ આપવામાં આવે છે. બૃસેલ્લોસીસ એ કોઈ એક જાતિના પશુમાં જોવા મળતો રોગ નથી, આ રોગ મુખ્યત્વે ગાય અને ભેંસ વર્ગના મોટા પશુઓ, ઘેટાં-બકરાં વર્ગના નાના પશુઓ અને ભુંડમાં જેવા પશુઓમાં જોવા મળે છે. અત્યાર સુધીમાં બ્રુસેલ્લોસીસ રોગના ત્રણ તબક્કાના રસીકરણ અભિયાનમાં ગુજરાતના ૨૧.૮૬ લાખથી વધુ નાના પશુઓમાં રસીકરણ કરી તેમણે રક્ષિત કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકારની સઘન પશુ રસીકરણની કામગીરીની ફલશ્રુતિરૂપે ગુજરાતના પશુઓમાંથી ખરવા-મોવાસા રોગ નામશેષ થવાના આરે આવ્યો છે. વર્ષ ૨૦૨૪-૨૫થી રાજ્યના કોઇપણ પશુમાં ખરવા મોવાસાનો રોગ જોવા મળ્યો નથી. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી “રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ” અમલમાં આવ્યો તે પહેલાં એટલે કે વર્ષ ૨૦૧૮-૧૯માં ગુજરાતનું કુલ દૂધ ઉત્પાદન ૧૪૪.૯૨ લાખ મે.ટન હતું, જે આજે વધીને ૧૮૩ લાખ મે.ટનને પાર પહોંચ્યું છે, જે રાજ્યના અનેક પશુપાલકોના આર્થિક ઉત્થાનનું મુખ્ય કારણ બન્યું છે.
આપણ વાંચો: Video: ગુજરાત પ્રધાનમંડળનું વિસ્તરણ કયારે? સવાલ પૂછતા દાદા-પાટીલે શું કર્યું