કલોલમાં દિવાળીની ખરીદી કરવા આવેલી માતાના છ મહિનાના બાળકને મહિલા ઉઠાવી જતા ચકચાર...
ગાંધીનગર

કલોલમાં દિવાળીની ખરીદી કરવા આવેલી માતાના છ મહિનાના બાળકને મહિલા ઉઠાવી જતા ચકચાર…

ગાંધીનગર: જિલ્લાના કલોલમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં કલોલ તાલુકાના એક ગામમાંથી શહેરમાં દિવાળી માટે ખરીદી કરવા આવેલા પરિવારના છ મહિનાના બાળકનું અપહરણ કરી લેવાની ઘટનાથી પંથકમાં ચકચાર મચી ગઇ હતી. અજાણી મહિલાએ વિશ્વાસ કેળવી અંતે બાળકનું અપહરણ કરી લેતા બાળકની માતાએ કલોલ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગતો અનુસાર, કલોલ તાલુકાના ધનોટ ગામની સીમમાં રહેતા અને ઘરકામ કરતા કલાબેન અનવરભાઈ મીરે નોંધાવેલી ફરિયાદની વિગતોના આધારે તેઓ દિવાળીના તહેવારને અનુલક્ષીને ખરીદી માટે તેઓ તેમના દીકરા સમીર, તેમના જેઠના દીકરા શાબિર તેમજ નણંદ લશાબેન સાથે કલોલ આવ્યા હતા. જ્યાં સવારથી બપોર સુધી શહેરમાં ખરીદી કર્યા બાદ બપોરે બે વાગ્યા આપસપાસ તેઓ ગામ જવા માટે નિકળ્યા હતા, ત્યારે છત્રાલ બ્રિજ નજીક લુણાસર રોડથી મેડિકલ સ્ટોર પર દવા લેવાની હોવાથી ત્યાં ગયા હતા.

આ દરમિયાન સર્વિસ રોડ પરની લસ્સીની લારીએ તેમની મુલાકાત એક અજાણી મહિલા સાથે થઈ હતી, જેને કલાબેન સાથે કેટલા સંતાન છે? ક્યાં છે? જેવી સામાન્ય વાતચીત કરી હતી. આ દરમિયાન મેડિકલ સ્ટોર નજીક જ હોવાથી કલાબેન તેમના દીકરા સમીર અને જેઠના દીકરા શાબીરને તેમનો છ માસના દીકરા શાહરૂખનું ધ્યાન રાખવાનું કહી તેઓ અને તેમના નણંદ મેડિકલ સ્ટોર પર ગયા હતા.

જો કે જ્યારે કલાબેન મેડિકલ સ્ટોરથી પરત ફર્યા ત્યારે શાહરૂખ ત્યાં નહોતો, આથી શાહરૂખ ક્યાં છે તે અંગે પૂછતા સમીર અને શાબીરે જણાવ્યું હતું કે એક અજાણી મહિલા તેને સાથે લઈ ગઈ હતી. આથી કલાબેન અને તેમના નણંદે છત્રાલ બ્રિજની આજુબાજુ તપાસ કરી હતી પરંતુ ક્યાંક શાહરૂખ અથવા તે અજાણી મહિલા મળી આવી નહોતી. આ દરમિયાન તેમના પિતરાઈ ભાઈ તેમને અચાનક મળી ગયા હતા અને કલાબેને બધી વાત કરતી હતી અને આથી તેમણે રાજપુર રોડ સુધી તપાસ કરી હતી, પરંતુ બાળકની કોઈ ભાળ ન મળતા અંતે બાળકની માતાએ કલોલ પોલીસ મથકે બાળકના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો…કલોલના છત્રાલમાં રિક્ષાચાલકે મહિલા હોમગાર્ડ પર કર્યો એસિડ હુમલો, આરોપીની ધરપકડ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button