Top Newsગાંધીનગર

જૂનાગઢના મહાશિવરાત્રી મેળામાં નાગા સાધુઓની રવેડીનો રૂટ લંબાવવામાં આવ્યો

ગાંધીનગરઃ જૂનાગઢમાં ગીરનારની તળેટીમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના સુચારૂ આયોજન માટે આજે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યાં હતા. આગામી તા. ૧૧ થી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ મહાશિવરાત્રી મેળાને વધુ યાદગાર અને ભવ્ય બનાવવા માટે આ વર્ષે પ્રથમવાર સાધુ સંતોના નગર પ્રવેશ સાથે અલૌકિક નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૧ ફેબ્રુઆરીએ સાંજે તમામ સાધુ સંતોના આગમન સમયે તેમનું ભવ્ય સ્વાગત કરવા ભવ્યાતિભવ્ય નગરયાત્રા નીકળશે.

અત્યાર સુધીનો સૌથી મોટો અને યાદગાર મેળો બની રહેશેઃ હર્ષ સંઘવી

મહાશિવરાત્રી મેળા અંગે વિગતે માહિતી આપતા નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી મોટો અને યાદગાર મેળો બની રહેશે. જૂનાગઢમાં યોજાતા ‘મીની કુંભ’ મહાશિવરાત્રી મેળામાં પધારતા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓને આવકારવા વહીવટી તંત્ર સજ્જ છે. શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને દર વર્ષે રવેડી રૂટ ૧.૫ કિ.મી. નો હોય છે જેમાં ૫૦૦ મીટરનો વધારો કરીને આ વર્ષે ૨ કિ.મી કરવામાં આવ્યો છે, જેથી પવિત્ર નાગા સાધુઓની રવેડીના દર્શનનો મહત્તમ શ્રદ્ધાળુઓને લાભ મળી શકશે.

મેળામાં CCTV કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે

નાયબ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, સરકાર દ્વારા આ વર્ષે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવશે. દર વર્ષે અંદાજે ૧૬૦૦ પોલીસ જવાનોને ફરજો સોંપવામાં આવે છે જેની સંખ્યા વધારીને આ વર્ષે ૨૯૦૦થી વધુ કરવામાં આવી છે. મેળામાં કોઈપણ અનીચ્છનીય બનાવ ન બને તે હેતુથી સમગ્ર વિસ્તારમાં CCTV કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. આ ઉપરાંત પાર્કિંગ, અવર જવરના રસ્તાઓ, રહેવાની સુવિધા માટે ડોર મેટરી જેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

સમગ્ર રૂટનું ભગવાન ભોલેનાથની થીમ પર સુશોભન કરવામાં આવશે

રાજ્ય સરકારના ટૂરિઝમ વિભાગ દ્વારા સમગ્ર રૂટનું ભગવાન ભોલેનાથની થીમ પર સુશોભન કરવામાં આવશે. જૂનાગઢ શહેરને પણ રોશનીથી શણગાર કરવામાં આવશે. સમગ્ર રૂટમાં અનેક સેલ્ફી પોઈન્ટ, ઈન્ફોર્મેશન સેન્ટર પણ મુકવામાં આવશે. આ ઉપરાંત શાહી સ્નાન સમયે મહાશિવરાત્રી મેળાનું લાઈવ સ્ટ્રીમીંગ પણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આ વર્ષે જૂનાગઢ પોલીસ દ્વારા પ્રથમવાર ૧,૦૦૦ થી વધુ સ્થાનિક યુવાનોને વોલેન્ટિયર તરીકે જોડી મેળાની વ્યવસ્થામાં સામેલ કરવામાં આવશે. ૩૦૦ થી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ઉતારા અને ભોજન (પ્રસાદ)ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળાના રૂટ પર શુદ્ધ પીવાના પાણીની તથા સ્વચ્છ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બેઠકમાં મહાશિવરાત્રી મેળા સંદર્ભે તૈયાર કરવામાં આવેલા ગીતનું પણ લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button