ભાજપ પ્રમુખપદની ચૂંટણી પહેલા પરિણામ, જગદીશ પંચાલ બિનહરીફ ચૂંટાશે?

ગાંધીનગરઃ ઘણી અટકળો અને અફવાઓ બાદ ભાજપ ગુજરાત પ્રમુખ પ્રદેશના અધ્યક્ષનું નામ બિનસત્તાવાર રીતે જાહેર થઈ ગયું છે. ભાજપે ગઈકાલે ચૂંટણી જાહેર કરી અને આજથી પ્રક્રિયા શરૂ થવાની હતી, પરંતુ ફોર્મ ભરવાની પ્રક્રિયા પહેલા જ મળતી માહિતી અનુસાર માત્ર જગદીશ પંચાલ જ ફોર્મ ભરશે અને તેઓ બિનહરિફ ચૂંટાશે અને લગભગ એકાદ કલાકમાં તેમનું નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે, તેમ સૂત્રો જણાવી રહ્યા છે.
આજે ગાંધીનગરના કમલમ ખાતે ભારે ધમાલ વચ્ચે જાણવા મળેલી માહિતી અનુસાર પંચાલ ફોર્મ ભરશે અને તેમને બિનહરિફ જાહેર કરવામાં આવશે. જોકે છેલ્લા ઘણા દિવસથી તેમનું નામ ચર્ચામાં હતું.
જગદીશ વિશ્વકર્મા બીજેપીના કદાવર નેતાઓમાંથી એક છે. વર્તમાનમાં જગદીશ વિશ્વકર્મા રાજ્યકક્ષાના પ્રધાન તરીકે પોતાની સેવા આપી રહ્યાં છે. નિકોલ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાઈને તેવો ધારાસભ્ય બન્યાં છે. મંત્રીમંડળમાં તેઓ સહકાર, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો, કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ સાથે નાગરિક ઉડ્ડયન વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળી રહ્યાં છે. ગુજરાત ભાજપમાં તેમનું કદ ખૂબ જ મોટું ગણાય છે. જોકે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના નિયમ અનુસાર એક નેતાને બે મોટા પદ મળતા નથી. ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલ કેન્દ્રીય પ્રધાન બન્યા બાદ આ પદ પર અન્ય કોઈને બેસાડવાની ફરજ પડી હતી. ઘણા લાંબા સમયથી નવા ચહેરાની વાત ચાલી રહી હતી, જે આજે ગુજરાત ભાજપને મળશે.
આ પહેલા કોણ કોણ બેઠા છે આ પદ પર
આ પહેલાની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ તરીકે કોણે પદ સંભાળ્યું હતું. 1982થી 1985 સુધી એકે પટેલ, 1993થી 1996 સુધી કાશીરામ રાણા, 1996થી 1998 વજુભાઈ વાળા, 1998થી 2005 સુધી રાજેન્દ્રસિંહ રાણા, 29 મે 2005થી 26 ઓક્ટોબર 2006 ફરી વજુભાઈ વાળા, 26 ઓક્ટોબર 2006 થી 1 ફેબ્રુઆરી 2010 સુધી પરષોત્તમ રૂપાલા, 1 ફેબ્રુઆરી 2010 થી 19 ફેબ્રુઆરી 2016 આરસી ફળદુ, 19 ફેબ્રુઆરી 2016 થી 10 ઓગસ્ટ 2016 સુધી વિજય રૂપાણી, 10 ઓગસ્ટ 2016 થી 20 જુલાઈ 2020 સુધી જીતુ વાઘાણી અને 20 જુલાઈ 2020થી અત્યાર સુધી સીઆર પાટીલ ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળી રહ્યાં છે.
આપણ વાંચો: કટ્ટર વિરોધી AAP નેતા સૌરભ ભારદ્વાજ PM મોદીની સરકારની કઈ વાતથી ખુશ થયા? જાણો વિગત