ઇટાલીના ભારત સ્થિત રાજદૂત એન્ટોનિયો બાર્ટોલીએ મુખ્ય પ્રધાન સાથે મુલાકાત કરી

ગાંધીનગરઃ ઇટાલીના ભારત સ્થિત રાજદૂત એન્ટોનિયો બાર્ટોલીએ ગુરુવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. ઇટાલી યુરોપમાં સેકન્ડ ઇન્ડસ્ટ્રીયલ પાવરહાઉસ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તજજ્ઞતા ધરાવે છે તે સંદર્ભમાં ભારતમાં મેન્યુફેક્ચરિંગ હબની ખ્યાતિ પ્રાપ્ત ગુજરાતમાં બહુવિધ ક્ષેત્રે પરસ્પર સહભાગીતાની તકો વિશે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાતમાં તેમણે ફળદાયી પરામર્શ કર્યા હતા.

મુખ્ય પ્રધાને ઇટાલીના રાજદૂત એન્ટોનિયો બાર્ટોલીને વધુ વિગતો આપતા કહ્યું કે, ગુજરાતે પોલિસી ડ્રિવન સ્ટેટ અને દેશના મેન્યુફેક્ચરિંગ હબ બનવા સાથે આ વિકસિત ગુજરાત @ 2047 રોડ મેપમાં લીવીંગ વેલ – અર્નિંગ વેલના ધ્યેય સાથે રાજ્યની આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક પ્રગતિના નવા સીમા ચિન્હો સર કરવાનો અભિગમ અપનાવ્યો છે.
ઇટાલીના રાજદૂતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ઈટાલીના દ્વિપક્ષીય સંબંધો વધુ સંગીન બન્યા છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઇટાલીની મુલાકાત દરમિયાન ડિફેન્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, સ્પેસ, ક્લીન એનર્જી, ઈનોવેશન અને મોબિલિટી લિન્કેજ પર ફોકસ કરીને બંને દેશો વચ્ચેનો સહયોગ વિસ્તૃત કરવા થયેલી સહમતીની ભૂમિકા તેમણે આપી હતી. તેમણે જણાવ્યું કે, ભારત અને ઇટાલીએ મુખ્ય ક્ષેત્રોમાં સહયોગનો સેતુ મજબૂત બનાવવા 10 મુદ્દાનો જોઈન્ટ સ્ટ્રેટેજિક એક્શન પ્લાન તૈયાર કરેલો છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ આ એક્શન પ્લાનના અનુસંધાને ગુજરાત સાથેના સુસંગત ક્ષેત્રોમાં ઇટાલી-ગુજરાત સહભાગીતા વિષયક ચર્ચા વિચારણા કરી હતી. તેમણે ગુજરાત સાથે મેન્યુફેક્ચરિંગ, સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીઝ, ફૂડ પ્રોસેસિંગ, વેસ્ટ ટુ એનર્જી, સ્પેસ, સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા ઇનોવેશન અને કનેક્ટિવિટી તેમજ સ્માર્ટ મોબિલિટી અને કલ્ચરલ એક્સચેંજ તથા એજ્યુકેશનના ક્ષેત્રોમાં સહભાગીતાની પરસ્પર ઉજ્જવળ સંભાવનાઓ રહેલી છે તે અંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વિચાર વિમર્શ કર્યો હતો.
ઇટાલીના રાજદૂત એન્ટોનિયો બાર્ટોલીએ ઇટાલી-ગુજરાતના સંબંધોને વધુ વ્યાપક સ્તરે વિકસાવવા અને પરસ્પર સમાન હિતના ક્ષેત્રોના અભ્યાસ માટે ગુજરાતના એક હાઈ લેવલ ડેલીગેશનને ઇટાલીની મુલાકાતે આવવાનું આમંત્રણ પણ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પાઠવ્યું હતું.
આપણ વાંચો: ગુજરાત વહીવટી સુધારણા પંચનો પાંચમો અહેવાલ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને સોંપાયો



