ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, સચિવાલયમાં પ્લાસ્ટિકને બદલે કાચની બોટલમાં પાણી મળશે | મુંબઈ સમાચાર

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, સચિવાલયમાં પ્લાસ્ટિકને બદલે કાચની બોટલમાં પાણી મળશે

ગાંધીનગર: ગુજરાત સરકારે પર્યાવરણલક્ષી મહત્વપૂર્ણ પહેલ હેઠળ સચિવાયલમાં હવે પ્લાસ્ટિક બોટલને બદલે કાચની બોટલમાં પીવાનું પાણી આપવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય કેમ્પસમાં ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસીલીટીનો પ્રારંભ કરાવ્યો હતો.

પ્લાસ્ટિક વેસ્ટમાં પણ ઘટાડો થશે.

સચિવાલય અને વિધાનસભા કેમ્પસમાં હવે આ ફેસિલિટી અંતર્ગત પ્લાસ્ટિક બોટલને બદલે કાચની બોટલમાં સખી નીરના બ્રાન્ડથી પીવાનું પાણી આપવામાં આવશે.આ પ્લાન્ટ કાર્યરત થતાં સચિવાલય કેમ્પસમાં દરરોજ ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિક બોટલનો વપરાશ બંધ કરીને હવે નજીવા દરે કાચની બોટલમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવવાને કારણે પ્લાસ્ટિક વેસ્ટમાં પણ ઘટાડો થશે. રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઈન્ક્યુબેટર ખાતે યુવા સ્ટાર્ટઅપ દ્વારા આ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે અને તેમણે બે પેટન્ટ પણ સાયન્સ ટેકનોલોજી વિભાગની મદદથી મેળવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ સ્ટેમ્પ ડયુટીમાં 80 ટકા ઘટાડો

તાપી જિલ્લાના પદમડુંગરી ઇકો ટુરીઝમ સાઈટ ખાતે પ્લાન્ટ કાર્યરત

આ પ્રકારનો પાયલોટ પ્રોકેક્ટ તાપી જિલ્લાના પદમડુંગરી ઇકો ટુરીઝમ સાઈટ ખાતે વન વિભાગ અને સખીમંડળની બહેનો દ્વારા અંબિકા નીર બ્રાન્ડ નેમ સાથે ત્રણ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલો છે. આ પ્રોજેક્ટ અન્વયે પ્લાસ્ટિક બોટલના બદલે કાચની બોટલમાં એ જ કિંમતમાં પાણી આપવામાં આવે છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે સખી મંડળની મહિલાઓ સાથે સંવાદ કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સખી નીર પ્લાન્ટ કાર્યરત કરાવતા સંચાલક સખી મંડળની મહિલાઓ અને ટેકનોલોજી ડેવલપર સ્ટાર્ટઅપ્સ સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ અવસરે વન પર્યાવરણ અગ્ર સચિવ સંજીવ કુમાર, સાયન્સ ટેકનોલોજી અગ્ર સચિવ મોના ખંધાર, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ એ.કે. સિંઘ, એસ.કે. શ્રીવાસ્તવ તથા વન પર્યાવરણ અને ક્લાયમેટ ચેન્જ વિભાગના અધિકારી-કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button