Top Newsગાંધીનગર

શિક્ષણ ક્ષેત્રે ભારતનો ‘વૈશ્વિક ડંકો’: IIM અમદાવાદ હવે દુબઈમાં પણ ભણાવશે! સાત સમંદર પાર પહોંચી IIT-IIM…

ગાંધીનગર/નવી દિલ્હી: ભારત સરકારે નવી શિક્ષણ નીતિ લાગુ કરીને ભારતમાં શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તનનો દાવો કર્યો છે. ત્યારે નવી શિક્ષણ નીતિના અમલના ભાગરૂપે અમુક સકારાત્મક પરિવર્તનો પણ દેખાઈ રહ્યા છે. લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારાઆપવામાં આવેલી માહિતી અનુસાર, વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં અને ભારતીય પ્રતિષ્ઠિત સંસ્થાઓને વિદેશમાં પોતાના કેમ્પસ સ્થાપવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે ગાંધીનગરની ગિફ્ટ સિટી (GIFT City) વિદેશી યુનિવર્સિટીઓ માટે મુખ્ય હબ બની રહી છે. અહીં અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા અને યુકેની 5 યુનિવર્સિટીઓને કેમ્પસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત ડીકિન યુનિવર્સિટીએ જુલાઈ 2024માં અને યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગે નવેમ્બર 2024માં પોતાના અભ્યાસક્રમો શરૂ કરી દીધા છે. આ ઉપરાંત, યુજીસી દ્વારા બેંગલુરુ, મુંબઈ, દિલ્હી અને ચેન્નાઈ જેવા શહેરોમાં કેમ્પસ સ્થાપવા માટે વિશ્વની 13 સંસ્થાઓને 14 લેટર ઓફ ઈન્ટેન્ટ (LOI) જાહેર કરવામાં આવ્યા છે.

ભારતીય શિક્ષણ સંસ્થાઓ પણ હવે સાત સમંદર પાર પોતાનો વિસ્તાર કરી રહી છે. અત્યાર સુધીમાં આઈઆઈટી મદ્રાસે તાન્ઝાનિયાના ઝાંઝીબારમાં, આઈઆઈટી દિલ્હીએ અબુ ધાબીમાં અને આઈઆઈએમ અમદાવાદે દુબઈમાં પોતાના કેમ્પસ સ્થાપીને કાર્યરત કર્યા છે. આ ઉપરાંત, છેલ્લા પાંચ વર્ષમાં પુણેની સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ અને જયપુર નેશનલ યુનિવર્સિટી જેવી સંસ્થાઓને પણ દુબઈ અને રસ અલ ખૈમહમાં કેમ્પસ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વર્ષ 2025માં પણ આ ગતિ ચાલુ રહેશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (IIFT) નવી દિલ્હી દ્વારા દુબઈના એક્સ્પો સિટીમાં નવું કેમ્પસ શરૂ કરવામાં આવશે. સરકારના આ પ્રયાસોનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય વિદ્યાર્થીઓને સ્થાનિક સ્તરે આંતરરાષ્ટ્રીય શિક્ષણ પૂરું પાડવાનો અને વિશ્વભરના વિદ્યાર્થીઓને ભારત તરફ આકર્ષિત કરવાનો છે, જેનાથી દેશના શૈક્ષણિક માળખામાં નોંધપાત્ર સુધારો થશે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button