ગુજરાતમાં આ વર્ષે કેટલા IAS અધિકારી ઉપલબ્ધ થશે, જાણો વિધાનસભામાં શું વિગત આવી સામે
રાજ્યમાં IAS અધિકારીનું મંજૂર મહેકમ ૩૧૩, જેમાં ૧૪ અધિકારી હાલ સેન્ટ્રલ ડેપ્યુટેશન પર

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની પ્રશ્નોતરી કાળ દરમિયાન તા.૩૧/૧૨/૨૦૨૪ની સ્થિતિએ રાજ્યમાં IAS અધિકારીઓની કુલ મંજૂર અને ખાલી જગ્યાઓ તેમજ સેન્ટ્રલ ડેપ્યુટેશનની સ્થિતિ સંદર્ભે પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં IAS અધિકારીનું મંજૂર મહેકમ ૩૧૩ છે. જેમાં ૧૪ અધિકારી હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે અને ૫૬ જગ્યાઓ ખાલી છે.
ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, ફેબ્રુઆરી-૨૦૨૫ દરમિયાન SCS (રાજ્ય મુલ્કિ સેવા) અધિકારીઓમાંથી બઢતીથી ૨૦ તથા Non-SCS અધિકારીઓમાં પસંદગીથી ૦૨ મળીને કુલ-૨૨ IAS અધિકારીઓ, તેમજ ઑક્ટોબર-૨૦૨૫ સુધીમાં સીધી ભરતીથી અંદાજિત ૦૮ IAS મળીને ૩૦ IAS અધિકારીઓ રાજ્ય સરકારને ઉપલબ્ધ થશે . વધુ વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે, IAS(કેડર) રુલ્સ ૧૯૫૪ પ્રમાણે IAS માળખું કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારનાં પરામર્શમાં નક્કી કરાય છે. જેની દર પાંચ વર્ષે સમીક્ષા કરવામાં આવે છે.
છેલ્લે વર્ષ-૨૦૧૮ માં થયેલ સમીક્ષા પ્રમાણે IAS સંવર્ગમાં હાલ ૩૧૩ મહેકમ નિર્ધારીત થયાલ છે .જેમાં કેડર પોસ્ટ એટલે કે સીનિયર ડ્યુટી પોસ્ટ-૧૭૦, સેન્ટ્રલ ડેપ્યુટેશન રીઝર્વ – ૬૮, ,સ્ટેટ ડેપ્યુટેશન રીઝર્વ – ૪૨, લીવ રીઝર્વ – ૨૮ અને ટ્રેનિંગ રીઝર્વ – ૦૫ છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ- ૨૦૨૪ માં ૩૪૩ એટલે કે નવીન ૩૦ IAS ની જગ્યાઓ વધારી સંખ્યાબળ નિર્ધારિત કરવા માટે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દર વર્ષે સીધી ભરતીથી ૮ થી ૯ IAS મળતા રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતને સીધી ભરતીથી કુલ ૪૧ IAS અધિકારી મળ્યાં છે. પરંતુ વર્ષ ૧૯૯ર થી ૧૯૯૪ દરમિયાન ત્રણ વર્ષમાં તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા રાજ્યમાં સીધી ભરતીના કોઇ IAS અધિકારીની નિમણૂક ન કરવા લીધેલ નિર્ણયની ખોટ આજે પણ રાજ્યમાં વર્તાઇ રહી છે.
આ પણ વાંચો…ગુજરાતમાં બજેટ પહેલાં કૉંગ્રેસના નેતાઓએ શું કહ્યું? જાણો વિગત
આ ઉપરાંત તેમણે કહ્યું, રાજ્યમાં IAS માટે સીધી ભરતીથી નિર્ધારીત જગ્યાઓ ૨૧૮ છે જેમાં હાલ ૧૯૦ ભરાયેલી છે. બઢતીથી IAS માં નિયુક્ત થવા પાત્ર જગ્યાઓ ૮૧ છે જેમાં ૫૭ ભરાયેલી છે . પસંદગીથી IAS માં નિયુક્ત થવા પાત્ર (નોન સિવિલ સ્ટેટના અધિકારીઓમાંથી) કુલ ૧૪ જગ્યાઓ પૈકી ૧૦ ભરાયેલ છે. આમ કુલ નિર્ધારીત મહેકમ ૩૧૩ માંથી ૨૫૭ ભરાયેલી છે.
ઉલ્લેખનીય છે કે, ભરતીથી દેશમાં ભરાયેલી સરેરાશ ૮૩.૩૯% ની સામે ગુજરાતમાં ૮૪.૮૬% જગ્યાઓ ભરાયેલી છે. જ્યારે બઢતીથી ભરવાની જગ્યાઓ દેશમાં સરેરાશ ૭૪.૮૬%ની સામે ગુજરાતમાં ૭૮.૯૫% ભરાયેલી છે .