અમદાવાદ જિલ્લામાં 2 વર્ષમાં કેટલા યુવાનોને મળી રોજગારી?

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો બીજો દિવસ છે. રાજ્યમાં રોજગાર મેળા વિશે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગાર પ્રધાન બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ ૧૧૯ રોજગાર મેળાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર મેળાઓ થકી ૨૦,૧૯૫ યુવાઓને રોજગારી મળી છે.
વધુમાં રોજગાર પ્રધાન કહ્યું હતું કે રાજ્યના રોજગારવાંચ્છુઓ માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે અનુબંધમ વેબપોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પર ઉમેદવારો પોતાના ઘરે બેઠા નોંધણી કરી શકે છે અને નોકરીદાતા તેમની ખાલી જગ્યાઓ ઓનલાઈન નોંધાવી શકે છે.

રાજયમાં કેટલી રોજગાર કચેરીઓ છે
પ્રધાને ઉમેર્યું કે, રોજગાર અને તાલીમ નિયામકની કચેરી હેઠળ રાજયમાં ૪૬ રોજગાર કચેરીઓ કાર્યરત છે. રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારીની યોગ્ય તકો મળી રહે તે માટે રાજ્યની રોજગાર કચેરીઓ ખાતે નામ નોંધણી, ખાલી જગ્યાઓ સામે ઉમેદવારોની ભલામણ, રોજગાર ભરતીમેળા, કારકિર્દી સલાહ અને માર્ગદર્શન જેવી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે.
તેમણે કહ્યું કે, અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં આઈકામેટ એચ.આર ઈન્ડિયા પ્રા.લી, ટાટા મોટર્સ, ઝાયડસ લાઈફ સાયન્સ લી., યુનિસન ફાર્માસ્યુટીકલ્સ પ્રા.લી જેવા વિવિધ નોકરીદાતાઓ દ્વારા યુવાઓને રોજગારી આપવામાં આવી છે.
દિવ્યાંગો અને મહિલાઓ માટે કેટલા રોજગાર મેળા યોજાયા
પેટા પ્રશ્નનો જવાબ આપતા પ્રધાને જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાની રોજગાર કચેરી દ્વારા છેલ્લા બે વર્ષમાં ખાસ જૂથો તરીકે દિવ્યાંગો અને મહિલાઓ માટે રોજગાર ભરતીમેળાઓ અલગથી આયોજિત કરવામાં આવ્યા હતા. જેમાં દિવ્યાંગો માટે ૦૭ ભરતીમેળા થકી ૨૭૮ દિવ્યાંગોને તથા મહિલાઓ માટે ૦૨ ભરતીમેળા યોજી ૭૮૪ મહિલાઓને રોજગારી આપવામાં આવી છે.
આ પણ વાંચો…રાજ્યમાં ચાલુ વર્ષે 95 ટી.પી. સ્કીમ મંજૂર કરાઇ, જાણો 10 વર્ષમાં કેટલી ટી.પી. થઈ મંજૂર