ગુજરાતમાં શિક્ષણ સેવા વર્ગ-1, 2 કેટલી જગ્યાઓ ખાલી છે? જાણો વિધાનસભામાં સરકારે શું કહ્યું

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે સત્રનો પાંચમો દિવસ છે. શિક્ષણ સેવામાં કેટલી જગ્યા ખાલી છે તે અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં વિધાનસભા ગૃહમાં સરકારે કહ્યું, શિક્ષણ સેવા વર્ગ-1ની 145 જગ્યામાંથી 51 જગ્યાઓ ખાલી છે. શિક્ષણ સેવા વર્ગની 1519 જગ્યાઓમાં 527 ભરાઈ છે અને 992 જગ્યાઓ હજુ ખાલી છે. નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ, બઢતીના કારણે જગ્યાઓ ખાલી હોવાનું સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું.
આજે વિધાનસભા ગૃહમાં આદિવાસીઓની શિષ્યવૃત્તિ મુદ્દે હોબાળો થયો હતો. જે બાદ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યોએ વિધાનસભા ગૃહની બહાર સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે ભાજપની આ સરકારે 28 ઓક્ટોબર 2024ના રોજ આ યોજનામાં બંધ કરવા માટે ઠરાવ કર્યો હતો. અમારી માંગ છે કે આદિવાસીઓ સમાજની આ શિષ્યવૃત્તિ ચાલુ કરાવવાના આવે. આ આદિવાસી વિરોધી ભાજપ સરકારને શું જરૂર પડી કે આદિવાસીઓની શિક્ષણની શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી.
આ પણ વાંચો…સોમનાથથી દ્વારકા તરફ જતી કર્ણાટકના યાત્રાળુઓની બસ ટ્રક સાથે અથડાતાં 2 લોકોના મૃત્યુ
આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ મુદ્દે ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી સ્કોલરશીપ ચાલુ કરવામાં આવી હતી. આ સ્કોલરશીપ મેનેજમેન્ટ ક્વોટામાં આપવામાં આવતી હતી જે હવે રાજ્ય સરકાર દ્વારા એક ઠરાવ કરીને બંધ કરી દીધી છે. આ યોજના મુદ્દે પ્રશ્ન પૂછ્યો તો સરકારે જવાબ ન આપ્યો અને વાર્તા કરી. અમારી માંગ હતી કે જવાબ આપો કે યોજના ફરી ચાલુ કરવા માંગો છો કે નહીં.