
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ અતાજી ઠાકોરે ઉદ્યાગ પ્રધાન બલવંતસિંહ રાજપૂતને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં કયા ક્ષેત્રમાં કેટલા એમઓયુ થયા તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં પ્રધાને કહ્યું, કુલ 26 સેક્ટરમાં 98,970 એમઓયુ થયા હતા.
જે બાદ 31-01-2025ની સ્થિતિએ સમિટમાં થયેલા એમઓયુ પૈકી કેટલા પ્રોજેક્ટ કાર્યરત થયા, કેટલા અમલીકરણ હેઠળ છે અને કેટલા પ્રોજેક્ટ પડતા મુકવામાં આવ્યા તથા ઉપરોક્સ સ્થિતિએ કેટલું મૂડી રોકાણ આવ્યું તેવો પેટા પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં પ્રધાને જણાવ્યું, રાજ્યમાં 56,529 પ્રોજેક્ટ કાર્યરત થયા છે. 13707 અમલીકરણ હેઠળ છે અને 5008 પ્રોજેક્ટ પડતા મુકવામાં આવ્યા છે. કુલ 6,95,816.37 કરોડનું મૂડી રોકાણ આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતે ભરેલી હરણ ફાળમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું મહત્ત્વનું યોગદાન છે. તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2003માં શરૂ થયેલી આ સમિટમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં લાખો કરોડોનું રોકાણ આવ્યું છે અને ઘણા લોકોને રોજગારી પણ મળી છે. એક અહેવાલ પ્રમાણે, ગુજરાત સરકારે 2026માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. આ સમિટ 2027માં યોજાશે. આ પાછળના અનેક કારણો છે. 2027માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણી વર્ષમાં આનો લાભ લઈ શકાય તે માટે આ સમિટ 2026ના બદલે 2027માં યોજવામાં આવશે.
આ પણ વાંચો…અમદાવાદીઓ રોંગ સાઈડમાં વાહન ચલાવતા હો તો સુધરી જજો, આજથી થશે FIR
સૂત્રોના જણાવ્યા મુજબ, બજેટ 2025-26માં બિઝનેસ એન્ડ ઈન્વેસ્ટર્સ સમિટની તૈયારી માટે ઈન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટને રૂપિયા 175 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. સરકારે જાન્યુઆરી 2026ના બદલ આ સમિટ 2027માં યોજવાનું બનાવી લીધું છે. ટૂંક સમયમાં આ અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. નાણાકીય વર્ષ 2025-26માં રાજ્ય સરકારે ઝોન પ્રમાણે મિનિ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવાનું આયોજન કર્યું છે.
રાજ્ય સરકાર જાન્યુઆરી 2027ની વાઇબ્રન્ટ સમિટ પહેલા રાજ્યભરમાં પ્રમોશનલ ઈવેન્ટ્સ યોજશે. વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા માટે કેટલીક પોલિસીમાં પણ બદલાવ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જાન્યુઆરી 2027માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનો લાભ ભાજપ વર્ષના અંતે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં લેવા માંગે છે.