ગુજરાતમાં કેટલા ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લીધો લાભ?

ગાંધીનગર: ખેડૂતોના લાભાર્થે સરકાર દ્વારા અનેક ખેડૂતલક્ષી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાંની એક પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજના છે. 2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના શરૂ કરી હતી. જે અંતર્ગત ખેડૂતોના બેન્ક ખાતામાં વાર્ષિક ₹6000 ની સહાય બે-બે હજારના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં એટલે કે 6 વર્ષમાં રાજ્યના 66.65 લાખ ખેડૂતોને ₹18,813.71 કરોડની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.
મલ્ટી-લેવલ વેરિફિકેશન સિસ્ટમ
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભ પાત્ર ખેડૂતો સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારે મલ્ટી-લેવલ વેરિફિકેશન સિસ્ટમ લાગુ કરી છે. આ પ્રણાલીનો ઉદ્દેશ યોજનાના અમલીકરણમાં પારદર્શિતા અને જવાબદારી જાળવવાનો છે. 12માં હપ્તાથી જમીન વાવણીને ફરજિયાત બનાવવામાં આવી છે, જેથી ફક્ત પાત્રતા ધરાવતા ખેડૂતો જ આ યોજનાનો લાભ મેળવી શકે. આ અંતર્ગત, ખેડૂતોએ પોતાની જમીનને પોર્ટલ સાથે જોડવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
ભ્રષ્ટાચાર અટકાવવા લેવામાં આવ્યા છે આ પગલા
આ યોજનાના પારદર્શક અમલીકરણ માટે 13મા હપ્તાથી આધાર લિંકિંગ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) સિસ્ટમ ફરજિયાત બનાવવામાં આવી હતી, જેના દ્વારા નાણાંકીય સહાય સીધી ખેડૂતોના આધાર સાથે જોડાયેલા બેંક ખાતાઓમાં મોકલવામાં આવે છે. 15મા હપ્તાથી ઈ-કેવાયસીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેનાથી યોજનાના લાભાર્થીઓની ઓળખ અને સુરક્ષામાં વધારો થયો છે. આ ઉપરાંત, ખેડૂતો તેમના ઓળખ સંબંધિત દસ્તાવેજોને ઓનલાઈન વેરિફાઈ કરી શકે છે. ગ્રામ્ય સ્તરે નોડલ અધિકારી 5% અને 10% ફિઝિકલ વેરિફિકેશન પણ કરે છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે ફક્ત પાત્ર ખેડૂતોને જ યોજનાનો લાભ મળે. આ પ્રક્રિયા અયોગ્ય લાભાર્થીઓને દૂર કરવામાં મદદ કરે છે.
આ પણ વાંચો…સુરતમાં સ્વાગત માટે કોઈ ઉભું ન રહેતા ભાજપના મંત્રી અકળાયા, જાણો વિગત
ગુજરાત સરકાર કોઈ ખેડૂતે ખોટી રીતે આ યોજનાનો લાભ મેળવ્યો હોય, તો આ લાભોની વસૂલાત પણ કરે છે. આ ઉપરાંત, ખેડૂતો તેમના જમીન માલિકીના દસ્તાવેજો અને આધાર વિગતોનો ઉપયોગ કરીને પીએમ-કિસાન પોર્ટલ પર સ્વ-નોંધણી પણ કરાવી શકે છે. મુખ્ય પ્રધાન ડેશબોર્ડ હેઠળ, જન સંવાદ કાર્યક્રમ દ્વારા લાભાર્થીઓ સીધો પ્રતિસાદ આપી શકે છે, જેથી યોજનાના રિયલ-ટાઇમ નિરીક્ષણ સાથે તેનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરી શકાય છે.