રાજ્યમાં કેટલા ડુપ્લિકેટ મતદારોની થઈ ઓળખ? આંકડો જાણીને ચોંકી જશો

ગાંધીનગરઃ ગુજરાત સહિત કુલ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special intensive revision – SIR) ચાલી રહી છે. આ દરમિયાન ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ની કચેરીએ રવિવારે જણાવ્યું હતું કે ભારતીય ચૂંટણી પંચે રાજ્યમાં ચાલી રહેલી SIR ના ગણતરી તબક્કાને 11 ડિસેમ્બર સુધી લંબાવ્યો છે.
રવિવાર, 30 નવેમ્બર સુધીમાં, 5 કરોડથી વધુ ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે, અને તેનું ડિજિટાઇઝેશન ચાલુ છે. 30 નવેમ્બર સુધીની ગણતરી દરમિયાન, રાજ્યભરની મતદાર યાદીમાં 14.96 લાખ મૃત્યુ પામેલા મતદારો મળી આવ્યા હતા, જ્યારે 3.45 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર હતા, અને 20 લાખથી વધુ મતદારો કાયમી ધોરણે સ્થળાંતરકરી ગયા હોવાનું જણાયું હતું. નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે 2.49 લાખથી વધુ મતદારોની ડુપ્લિકેટ તરીકે ઓળખ કરવામાં આવી હતી.
હવે મતદાર યાદીનો ડ્રાફ્ટ 16 ડિસેમ્બરે પ્રકાશિત કરવામાં આવશે અને અંતિમ મતદાર યાદી 14 ફેબ્રુઆરી, 2026 ના રોજ પ્રકાશિત થશે. CEO ના એક નિવેદનમાં જણાવાયું છે કે મતદારો વાંધાઓ દાખલ કરી શકશે, અને આ વાંધાઓ પરની સુનાવણી 16 ડિસેમ્બર, 2025, અને 7 ફેબ્રુઆરી, 2026 ની વચ્ચે થશે.
આ 12 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં થઈ રહી છે SIRની કામગીરી
ગુજરાત, છત્તીસગઢ, ગોવા, આંદામાન નિકોબાર, કેરળ,લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, પુડ્ડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ,પશ્ચિમ બંગાળમાં હાલ SIRની કામગીરી થઈ રહી છે. ખાસ વાત એ છે કે આવતા વર્ષે ચૂંટણી ધરાવતા બંગાળમાં SIR થશે, પરંતુ આસામમાં નહીં થાય. ચૂંટણી પંચનું કહેવું છે કે આસામમાં નાગરિકતા સંબંધિત નિયમો થોડા અલગ છે, તેથી ત્યાં આ પ્રક્રિયા અલગ રીતે ચાલશે.
SIR શું છે?
આ ચૂંટણી પંચ દ્વારા અમલમાં મુકવામાં આવતી પ્રક્રિયા છે. તે મતદાર યાદીને અપડેટ કરે છે. 18 વર્ષથી વધુ ઉંમરના નવા મતદારો ઉમેરવામાં આવે છે. મૃત મતદારો અને સ્થળાંતર કરનારાઓના નામ દૂર કરવામાં આવે છે. નામ અને સરનામામાં ભૂલો પણ સુધારવામાં આવે છે. મતદાર યાદી અધિકારીઓ (BLO) ઘરે ઘરે જઈને ફોર્મ જાતે એકત્રિત કરે છે.
SIR માટે માન્ય પુરાવા
પેન્શનર ઓળખ કાર્ડ, સરકારી વિભાગ દ્વારા આપવામાં આવેલું ઓળખ કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, 10મા ધોરણની માર્કશીટ, કાયમી રહેઠાણ પ્રમાણપત્ર, વન અધિકાર પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)માં નામ, કુટુંબ રજિસ્ટરમાં નામ, જમીન અથવા મકાન ફાળવણી પત્ર, આધાર કાર્ડ – આ તમામ પુરાવા SIR માટે માન્ય છે.



