
મિનરલ અને પેટ્રો કેમિકલ ક્ષેત્રે અભૂતપૂર્વ ઇન્વેસ્ટમેન્ટ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા બજેટ સત્રના અંતિમ દિવસે ગૃહમાં વાયબ્રન્ટ સમિટના ખર્ચના આંકડા જાહેર થયા હતા. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ 31-01-2025ની સ્થિતિમાં રાજ્યમાં છેલ્લી વાયબ્રન્ટ સમિટ ક્યારે યોજવામાં આવી, તેની પાછળ કેટલા ખર્ચો થયો તથા કેટલા સેક્ટરમાં કેટલી કંપનીઓ દ્વારા રોકાણ માટેના એમઓયુ કરવામાં આવ્યા તે અંગે પ્રશ્ન કર્યો હતો.

જેનો જવાબ આપતાં ઉદ્યોગ પ્રધાને જણાવ્યું, છેલ્લી વાયબ્રન્ટ સમિટ 10-01-2024 થી 12-01-2024 દરમિયાન યોજવામાં આવી હતી. આ સમિટ પાછળ 114 કરોડ 53 લાખ 29 હજાર 876 રૂપિયા ખર્ચ થયો હતો. તેમજ 26 સેક્ટરમાં કુલ 98,970 કંપનીઓ દ્વારા 47,51,290.93 કરોડના સૂચિત મૂડીરોકાણ માટેના ઈન્વેસ્ટેન્ટ ઈન્ટેન્શન થયા હતા. પેટ્રોકેમિકલ્સમાં 3263 એમઓયુ સાથે અંદાજીત મૂડી રોકાણ 5,35,526.37 કરોડ રૂપિયા અને મિનરલ્સમાં 4084 એમઓયુ સાથે આશરે 1,44,134.02 કરોડ રૂપિયાના રોકાણના એમઓયુ થયા હતા.
થોડા દિવસ પહેલા વિધાનસભા ગૃહમાં 31-01-2025ની સ્થિતિએ સમિટમાં થયેલા એમઓયુ પૈકી કેટલા પ્રોજેક્ટ કાર્યરત થયા, કેટલા અમલીકરણ હેઠળ છે અને કેટલા પ્રોજેક્ટ પડતા મુકવામાં આવ્યા તથા ઉપરોકત સ્થિતિએ કેટલું મૂડી રોકાણ આવ્યું તેવો પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં પ્રધાને જણાવ્યું, રાજ્યમાં 56,529 પ્રોજેક્ટ કાર્યરત થયા છે. 13707 અમલીકરણ હેઠળ છે અને 5008 પ્રોજેક્ટ પડતા મુકવામાં આવ્યા છે. કુલ 6,95,816.37 કરોડનું મૂડી રોકાણ આવ્યું છે તેવો જવાબ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગુજરાતે ભરેલી હરણ ફાળમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટનું મહત્ત્વનું યોગદાન છે. તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2003માં શરૂ થયેલી આ સમિટમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં લાખો કરોડોનું રોકાણ આવ્યું છે અને ઘણા લોકોને રોજગારી પણ મળી છે. એક અહેવાલ પ્રમાણે, ગુજરાત સરકારે 2026માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. આ સમિટ 2027માં યોજાશે. આ પાછળના અનેક કારણો છે. 2027માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણી વર્ષમાં આનો લાભ લઈ શકાય તે માટે આ સમિટ 2026ના બદલે 2027માં યોજવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, બજેટ 2025-26માં બિઝનેસ એન્ડ ઈન્વેસ્ટર્સ સમિટની તૈયારી માટે ઈન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટને રૂપિયા 175 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. સરકારે જાન્યુઆરી 2026ના બદલ આ સમિટ 2027માં યોજવાનું બનાવી લીધું છે. ટૂંક સમયમાં આ અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. નાણાકીય વર્ષ 2025-26માં રાજ્ય સરકારે ઝોન પ્રમાણે મિનિ વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજવાનું આયોજન કર્યું છે.
રાજ્ય સરકાર જાન્યુઆરી 2027ની વાયબ્રન્ટ સમિટ પહેલા રાજ્યભરમાં પ્રમોશનલ ઈવેન્ટ્સ યોજશે. વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા માટે કેટલીક પોલિસીમાં પણ બદલાવ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જાન્યુઆરી 2027માં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનો લાભ ભાજપ વર્ષના અંતે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં લેવા માંગે છે.
આ પણ વાંચો: જમીન પચાવવા બન્યા નકલી સરદાર પટેલ, કોર્ટે ફટકારી 5 વર્ષની સજા