ગાંધીનગર

ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટ જૂની કેબિનેટથી કેટલી છે અલગ?

ગાંધીનગરઃ ગુજરાત કેબિનેટનું આજે વિસ્તરણ થયું હતું. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારના તમામ 16 પ્રધાનોના ગુરુવારે રાજીનામા લેવામાં આવ્યા હતા. નવી ટીમમાં 25 પ્રધાનોનો સામેલ કરવામાં આવ્યા, જેમાં માત્ર છ જૂના પ્રધાનોને સ્થાન મળ્યું હતું. જોકે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોરની પ્રધાન બનવાની ઈચ્છા પૂરી થઈ નહોતી.

આ વખતે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પ્રધાનોની સંખ્યા 16 થી વધારીને 25 કરવામાં આવી હતી. 2022માં બનેલા 16 પ્રધાનોમાંથી 10ને પડતાં મૂકવામાં આવ્યા હતા અને માત્ર છને જ ફરી વખત પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું હતું. આ ઉપરાંત 19 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું હતું.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે બે વર્ષ જેટલો સમય બાકી છે. ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંડળ વિસ્તરણ કરીને જાતિ અને પ્રાદેશિક બંને બેલેન્સ કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં જે છ ચહેરાઓને સ્થાન આપ્યું તેમાં ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનસેરિયા, પરસોત્તમ સોલંકી અને હર્ષ સંઘવીનું નામ સામેલ છે. 2022માં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં બનેલી સરકારમાં આ પણ પ્રધાન હતા.

ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ 2022માં જે 16 પ્રધાનોને સ્થાન આપવામાં આવ્યું હતું, તેમાંથી 10 નેતાઓને નવી ટીમમાં જગ્યા મળી નથી. રાઘવજી પટેલ, બલવંત સિંહ રાજપૂત, ભાનુબેન બાબરિયા, મૂળુભાઈ બેરા, કુબેરભાઈ ડિંડોર, બચુભાઈ ખાબડ, જગદીશ વિશ્વકર્મા, મુકેશભાઈ પટેલ, ભીમુ સિંહ પરમાર અને કુંવરજી હળપતિને નવા પ્રધાન મંડળમાં સમાવવામાં આવ્યા નથી. આ રીતે 10 જૂના પ્રધાનોની ભૂપેન્દ્ર પટેલની ટીમમાંથી બહાર કરી દેવાયા હતા.

ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ કેટલી બદલાઈ?
અગાઉની ગુજરાત કેબિનેટમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત 17 પ્રધાન હતા, જેમાં 8 કેબિનેટ, બે સ્વતંત્ર પ્રભાર રાજ્ય અને 6 રાજ્ય પ્રધાનો હતા. હવે આ સંખ્યા વધીને 26 થઈ ગઈ છે. એટલું જ નહીં, ભૂપેન્દ્ર પટેલની પ્રથમ સરકારમાં કોઈ નાયબ મુખ્ય પ્રધાન નહોતા, પરંતુ આ વખતે હર્ષ સંઘવીને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા.

નવા મંત્રીમંડળમાં કોનો સમાવેશ?
પ્રધાનમંડળમાં છ જૂના અને 19 નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં ત્રિકમ છાંગા, સ્વરૂપજી ઠાકોર, પ્રવીણ માળી, પી.સી. બરંડા, દર્શના વાઘેલા, કાંતિલાલ અમૃતિયા, રીવાબા જાડેજા, અર્જુનભાઈ મોઢવાડિયા, ડૉ. પ્રદ્યુમન વાજા, કૌશિક વેકરિયા, જીતેન્દ્રભાઈ વાઘાણી, રમણભાઈ સોલંકી, કમલેશભાઈ પટેલ, સંજય સિંહ મહિડા, રમેશભાઈ કટારા, મનીષા વકીલ, ઈશ્વર સિંહ પટેલ, ડૉ. જયરામભાઈ ગામિત અને નરેશભાઈ પટેલનો સમાવેશ થાય છે.

આપણ વાંચો:  સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની બાદબાકી: ગુજરાત સરકારમાં એકેય પ્રધાન નહીં?

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button