ગુજરાતમાં રવિ પાકમાં ઘઉં-ચણાનું સૌથી વધુ વાવેતર, ગત વર્ષ કરતાં વધ્યો વાવેતર વિસ્તાર

ગાંધીનગરઃ માવઠાના મારમાંથી બેઠા થઈને ધરતીપુત્રોએ રવિ પાકનું વાવેતર શરૂ કર્યું છે. આ વર્ષે ઘઉં, ચણાનું સૌથી વધુ વાવેતર થયું છે. ખેતીવાડી વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર, અત્યાર સુધીમાં ગુજરાતમાં રવિ સિઝનનું વાવેતર 30,60,474 હેક્ટરમાં થઈ ગયું છે. ગત વર્ષે આ સમય દરમિયાન 25.38 લાખ હેક્ટરમાં જ વાવેતર થયું હતું. એટલે કે ગત વર્ષની તુલનાએ પાંચ લાખ હેક્ટરમાં વાવેતર વધારે થયું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આમ તો રવિ સિઝનની વાવણીનો સમય પૂરો થવામાં છે. કારણ કે દિવાળી આસપાસથી ખેડૂતો રવિ વાવેતર શરૂ કરી દેતા હોય છે. પરિણામે આગામી એકાદ સપ્તાહમાં રવિ વાવેતરનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ અનુસાર 46 લાખ હેક્ટરમાં રવિ પાક લેવાતો હોય છે. આ મુજબ અત્યાર સુધીના રવિ વાવેતરની ટકાવારી 66.43 સુધી પહોંચી ગઈ છે. ઘઉં, ચણા અને જીરું સિવાય ખેડૂતોએ પોતાના વિસ્તાર મુજબ પરંપરાગત પાકો વાવ્યા છે.
રવિ પાકનું ક્યાં કેટલું વાવેતર
ઉત્તર ગુજરાતમાં રાઈ, મધ્ય ગુજરાતમાં મકાઈ, સૌરાષ્ટ્રમાં ધાણા અને દક્ષિણ ગુજરાતમાં શેરડીનો પાકનું નોંધપાત્ર વાવેતર થયું છે. સૌરાષ્ટ્રમાં 12,94,100 હેકટર, ઉત્તર ગુજરાતમાં 9,93,500 હેક્ટર, મધ્ય ગુજરાતમાં 4,55,500 હેક્ટર, દક્ષિણ ગુજરાતમાં 1,78,500 હેક્ટરક તથા કચ્છમાં 1,38,900 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે.
ઉલ્લેખનીય છે કે દિવાળી પર થયેલા માવઠાથી રાજ્યમાં ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો. ગત વર્ષ કરતા હાલ રવિ પાકનું વાવેતર વધારે થયું છે ત્યારે ધરતીપુત્રો હવે કોઈ સંકટ ન આવે તેવી આશા રાખી રહ્યા છે.
આ પણ વાંચો…ગુજરાતના છ જિલ્લાને રવિ પાક માટે મળશે વધારાની વીજળી, ક્યા વિસ્તારોને થશે લાભ ?



