ગુજરાતના સેમિકન્ડકટર સેક્ટર પર વિશ્વની નજર, ધોલેરા હાઈટેક ઉત્પાદનનું મોટું કેન્દ્ર બનશે

ગાંધીનગરઃ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, રેલવે તથા માહિતી પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્ર પર વિશેષ ફોકસ સાથેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, દેશના વિકાસ માટે ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઉત્પાદન અત્યંત મહત્વના છે અને વડા પ્રધાનના દિશાદર્શનમાં આ ક્ષેત્રો ખુબ ઝડપી અને સારી પ્રગતિ કરી રહ્યા છે.
પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબના પ્રોજેક્ટ્સની પ્રગતિની વિગતો મેળવવા માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, સાયન્સ ટેકનોલોજી પ્રધાન અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
તેમણે ધોલેરા અને સાણંદમાં નિર્માણાધીન ટાટા, માઈક્રોન અને સીજી સેમિકોન જેવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ માટે જરૂરી વીજળી, પાણી, લોજિસ્ટિક્સ અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા રેલ, રોડ એન્ડ એર કનેક્ટિવિટીના રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલા કામોની તલસ્પર્શી વિગતો આ બેઠકમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા મેળવી હતી.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં જણાવ્યું કે, ભારતમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ શરૂ કરવા અગાઉ અનેક પ્રયત્ન થયા હતા પરંતુ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શાસન દાયિત્વ સંભાળતા આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ ભારતમાં કાર્યરત થવા જઈ રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સેમિકોન ક્ષેત્રે અગ્રણી લીડર બનશે તેવો લોકોને વિશ્વાસ છે.
મુખ્ય પ્રધાને કહ્યું કે, ગુજરાત સેમિકોન હબ તરીકે લીડ લે તેવું જે વાતાવરણ વડા પ્રધાનના દિશાદર્શનમાં ઉભુ થયું છે તેને જાળવી રાખીને સેમિકન્ડકટર સેક્ટરના વિકાસ માટે ફોકસ કરવા ટાઈમ બાઉન્ડ પ્લાનિંગ કરવા સંબંધિત વિભાગો સંકલન કેળવીને આગળ વધે તે જરૂરી છે. આ સંદર્ભમાં મુખ્ય પ્રધાને નિયમિત ફોલોઅપ બેઠક યોજવા અને સમયસર ચોકસાઈ સાથે બધા કાર્યો પૂરા કરવાની તાકીદ કરી હતી.
કેન્દ્રીય પ્રધાને અશ્વિની વૈષ્ણવે ધોલેરા આગામી સમયમાં હાઈટેક ઉત્પાદનનું મોટુ કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, દેશ અને ગુજરાતના સેમિકન્ડક્ટર સેક્ટર પર દુનિયાના લગભગ બધા દેશોની નજર છે અને ધોલેરાનો વિશેષ ઉલ્લેખ સેમિકોન ઈન્ડસ્ટ્રી સંદર્ભે થાય છે. આવા સંજોગોમાં ભારતમાં પહેલી સેમિકન્ડક્ટર ચીપ ફુલ્લી ફંકશનલ કરવા માટેના નિર્ધારિત સમય દરમિયાન જ તે કાર્યરત થાય તેની મોટી જવાબદારી કેન્દ્ર-રાજ્ય સરકારે નિભાવવાની છે.
પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ બેઠકમાં 10 જેટલા ક્રિટિકલ પ્રોજેક્ટ્સની વિગતો મેળવીને તેને સ્પર્શતી બાબતો માટે રેગ્યુલર ફોલોઅપ મીટીંગ થાય તેવા દિશા-નિર્દેશો આપ્યા હતા. તેમણે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગો સેમિકન્ડક્ટર ઉદ્યોગોને જરૂરી મદદ માટે 24X7 ઉપલબ્ધ છે.
આ પણ વાંચો…ટ્રમ્પને ઘોળીને પી જઈ અમેરિકાની કંપની સાણંદમાં 3300 કરોડનો ચિપ પ્લાન્ટ નાંખશે



