ગ્રીન એનર્જીમાં ગુજરાતનો ડંકો: દેશની કુલ નવીનીકરણીય ઊર્જામાં ૧૬.૫૦ ટકા સાથે દેશમાં મોખરે

ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન પ્રાપ્ત કરવાનો રાષ્ટ્રીય લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે અને પરંપરાગત ઇંધણ પર નિર્ભરતા ઘટાડવા માટે મહત્વપૂર્ણ પહેલો શરૂ કરી છે. આ વ્યાપક આયોજનનો હેતુ વર્ષ 2030 સુધીમાં ભારતની 50% વીજળી નવીનીકરણીય ઊર્જામાંથી મેળવવાનો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે નવીનીકરણીય ઊર્જામાં નવા માપદંડો સ્થાપિત કર્યા છે, જે આ રાષ્ટ્રીય લક્ષ્યમાં નોંધપાત્ર યોગદાન આપે છે. ડિસેમ્બર 2025 સુધીના આંકડા દર્શાવે છે કે, દેશમાં નવીનીકરણીય ઊર્જા ક્ષમતામાં ગુજરાતનું યોગદાન સૌથી વધુ છે. રાજ્યની કુલ નવીનીકરણીય ઊર્જા ક્ષમતા 42.583 ગીગાવૉટ સુધી પહોંચી છે, જે ભારતની કુલ ક્ષમતામાં 16.50% ફાળો દર્શાવે છે.
આ ઉપરાંત, ગુજરાત કુલ સ્થાપિત નવીનીકરણીય ઊર્જા ક્ષમતામાં (42.583 ગીગાવૉટ) રાજ્ય પ્રથમ ક્રમે તથા સ્થાપિત પવન ઊર્જા ક્ષમતામાં (14,820.94 મેગાવૉટ) રાજ્ય પ્રથમ ક્રમે અને સૌર ઊર્જા ક્ષમતામાં (25,529.40 મેગાવૉટ) બીજા ક્રમે છે. સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે જેમાં 11 લાખ સોલાર રૂફટોપ સિસ્ટમોના માધ્યમથી 6,412.80 મેગાવૉટ ઊર્જા ઉત્પાદન થઇ રહ્યું છે.
સૌર ઊર્જામાં ગુજરાત અગ્રેસર
ડિસેમ્બર 2025 સુધીમાં 25,529.40 મેગાવૉટ સ્થાપિત ક્ષમતા સાથે સૌર ઊર્જા ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. તેમાં ગ્રાઉન્ડ માઉન્ટેડ પ્રોજેક્ટ્સમાંથી 17,771.21 મેગાવૉટ, સોલાર રૂફટોપ 6412.80 મેગાવૉટ (જેમાં સૂર્ય ગુજરાત દ્વારા 2073.65 મેગાવૉટ, પીએમ સૂર્ય ઘર યોજના દ્વારા 1913 મેગાવૉટ, અન્ય 2267.04 મેગાવૉટ), હાઇબ્રીડ પરિયોજનાઓમાંથી 1172.38 મેગાવૉટ અને ઓફ-ગ્રીડ સિસ્ટમ્સમાંથી (પીએમ કુસુમ સહિત) 173.01 મેગાવૉટ ઉત્પાદન થઈ રહ્યું છે.
ગુજરાતમાં સૌર ઊર્જા ઉત્પાદન માટે ચારણકા (749 મેગાવૉટ), રાધાનેસડા (700 મેગાવૉટ) અને ધોલેરા (300 મેગાવૉટ) ખાતે સોલાર પાર્ક કાર્યરત છે. 37.35 ગીગાવૉટની ઉત્પાદન ક્ષમતા સાથે કચ્છના ખાવડામાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસિત થઇ રહ્યો છે, જેમાં અત્યારે 11.33 ગીગાવૉટ ઉત્પાદન પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે. ગુજરાતે 11 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાની સિદ્ધી પણ મેળવી છે, જે રહેણાંક, કમર્શિયલ અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 6412.80 મેગાવૉટનું ઉત્પાદન કરે છે.
ગુજરાતે 2016થી ઘરોમાં છત પર સૌર ઊર્જા પેનલ સ્થાપિત કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે અને પીએમ સૂર્ય ઘર યોજના લૉન્ચ થઈ ત્યાં સુધી તેને સમર્થન મળ્યું છે. તેના કારણે ભારતના કુલ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનમાં રાજ્યનો ફાળો 25% થી વધુ થયો છે. કૃષિ ક્ષેત્રમાં, પીએમ કુસુમના ઘટક B હેઠળ 12,700 સ્ટેન્ડઅલોન ઓફ-ગ્રીડ સોલાર વોટર પંપ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેના દ્વારા 89.54 મેગાવૉટ ઊર્જાનું ઉત્પાદન થઈ રહ્યું છે.
14820.94 મેગાવૉટ ઉત્પાદન સાથે પવન ઊર્જામાં ગુજરાત અગ્રેસર
ભારતમાં પવન ઊર્જા ક્ષેત્રે ગુજરાતે પ્રથમ પવન ઊર્જા નીતિ લાગુ કરીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ડિસેમ્બર 2025 સુધીમાં, પવન ઊર્જા ક્ષેત્રમાં રાજ્યની સ્થાપિત ક્ષમતા 14820.64 મેગાવૉટ છે, જેમાં કચ્છનું યોગદાન સૌથી વધુ 7476.73 મેગાવૉટ છે. જામનગર (1867.65 મે.વો.), દેવભૂમિ દ્વારકા (1281.26 મે.વો.), અમરેલી (973.85 મે.વો.), રાજકોટ (874.90 મે.વો.), ભાવનગર (618.80 મે.વો.), મોરબી (568.6 મે.વો.), સુરેન્દ્રનગર (456.6 મે.વો.) અને પાટણ (208.2 મે.વો.) જિલ્લાઓમાં પણ પવન ઊર્જાની નોંધપાત્ર સ્થાપિત ક્ષમતા છે. રાજ્યએ 2018 હાઇબ્રિડ પોલિસી અને RE પોલિસી 2023 અંતર્ગત પવન-સૌર હાઇબ્રિડ પરિયોજનાઓ દ્વારા 2398.77 મેગાવૉટ ઉત્પાદન ક્ષમતાનો ઉમેરો કર્યો છે.
80%થી વધુ ટર્બાઇન સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીન પર કાર્યરત છે, જ્યાં મજબૂત માળખાગત સુવિધાઓ અને સુસંગત પ્રણાલીઓ વિકસિત કરવામાં આવી છે. નવીનીકરણીય ઊર્જા પરિયોજનાઓના લીધે અંદાજિત 2.37 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થયું છે. પરિયોજનાઓના ઝડપી અમલીકરણ અને ગ્રીડ કનેક્ટિવિટી માટે રાજ્ય સરકારે અક્ષય ઊર્જા સેતુ ઓનલાઈન પોર્ટલના માધ્યમથી સુવ્યવસ્થિત અને પારદર્શક પ્રણાલી વિકસિત કરી છે. નેટ મીટરિંગ નિયમો હેઠળ, રાજ્યએ 6.40 GWp થી વધુ રૂફટોપ સોલાર ક્ષમતા સ્થાપિત કરી છે, જે તેને આ ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી બનાવે છે.
ગુજરાતની મજબૂત નીતિઓથી ઊર્જા ક્ષેત્રનો વિકાસ
1993માં પ્રથમ પવન ઊર્જા નીતિ અમલમાં મૂક્યા બાદ ગુજરાત સરકારે સમયાંતરે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે મહત્વપૂર્ણ નીતિઓ અમલમાં મૂકી છે, જેમાં સૌર ઊર્જા નીતિઓ (2009,2015,2021), વેસ્ટ ટુ એનર્જી એન્ડ સ્મોલ હાયડલ પોલિસી (2016) અને વિન્ડ-સોલાર હાઇબ્રિડ પોલિસી (2018)નો સમાવેશ થાય છે. 2022માં અપડેટેડ વેસ્ટ-ટુ-એનર્જી નીતિ અને ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી–2023 દ્વારા સોલાર, પવન, હાઇબ્રિડ તથા વિતરણ આધારિત પ્રોજેક્ટ્સ માટે એકીકૃત માળખું પૂરુ પાડવામાં આવ્યું છે. આ નીતિ હેઠળ ક્ષમતા મર્યાદા દૂર કરવામાં આવી છે તેમજ ટેરિફ, ગ્રીડ ચાર્જ, ઊર્જા હિસાબ, ક્રોસ સબસિડી અને બેંકિંગ ચાર્જ અંગે સ્પષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. આ ઉપરાંત, DREBP યોજના ક્લીન એનર્જીમાં અગ્રણી રાજ્ય તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.
તો 2025ની રિન્યુએબલ એનર્જી પોલિસી વિશાળ ક્ષમતાના તેમજ વિતરિત નવીનીકરણીય ઊર્જાને ઝડપી ગતિ આપવા પર કેન્દ્રિત છે. તેમાં ઓન-ડિમાન્ડ કનેક્ટિવિટી, ફ્લેક્સિબલ કમિશનિંગ સમયમર્યાદા, જૂના પવન પ્રોજેક્ટ્સનું રીપાવરિંગ તથા સોલર, પવન અને હાઈબ્રિડ સિસ્ટમ્સ સાથે બેટરી સ્ટોરેજનું સરળ સંકલન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ નીતિ ઊભરતી નવીનીકરણીય ઊર્જા ટેક્નોલૉજીઓ, ખાનગી ક્ષેત્રની ભાગીદારી, RE મૅન્યુફેક્ચરિંગ અને રિસાયક્લિંગ, તેમજ અક્ષય-ઊર્જા-સેતુ પોર્ટલ દ્વારા ડિજિટલ સુવિધાઓ મારફતે નવીનતાને પ્રોત્સાહન આપે છે.
ભવિષ્ય માટે ગુજરાત સજ્જ: 2030 સુધીમાં 105 ગીગાવૉટ ઉત્પાદનનું લક્ષ્ય
ગુજરાત તેની નવીનીકરણીય ઊર્જા પરિયોજનાઓનું સતત વિસ્તરણ કરી રહ્યું છે અને અત્યારે 5203 પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. આ પ્રોજેક્ટ્સમાં 4992 સૌર પ્રોજેક્ટ્સ (32.22 GW), 72 પવન પ્રોજેક્ટ્સ (15 GW), અને 139 હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ (21.15 GW)નો સમાવેશ થાય છે, જેનાથી 68.37 GW ઊર્જા પ્રાપ્ત થશે. ગાંધીનગરમાં આયોજિત RE ઇન્વેસ્ટ 2024 કાર્યક્રમમાં, રાજ્યએ વર્ષ 2030 સુધીમાં 105 ગીગાવૉટનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે, જે ભારતના 500 ગીગાવૉટ બિન-અશ્મિભૂત ઊર્જા ઉત્પાદન ક્ષમતાના લક્ષ્યમાં 20 ટકા યોગદાન આપશે.
આ પણ વાંચો રાજકોટમાં રૂા.૪૫૦૦૦ની લાંચ લેતા ભુજના નિવૃત્ત ઇન્સ્પેકટર સહિત ત્રણ અધિકારીઓ એસીબીના છટકામાં ઝડપાયા



