ગુજરાતનો દરિયાકાંઠો ટૂરિઝમ રોકાણ માટે છે પ્રીમિયમ પ્લેટફોર્મ

ગાંધીનગર: ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર આજે ટકાઉ વિકાસ, આધુનિક માળખાકીય સુવિધાઓ અને વૈશ્વિક ગુણવત્તાના ધોરણો સાથે દેશ માટે એક નવા માપદંડની સ્થાપના કરી રહ્યું છે. રાજ્યના પ્રથમ “ગ્લોબલ બ્લૂ ફ્લેગ બીચ” – શિવરાજપુરના સમગ્ર વિકાસ માટે TCGL દ્વારા કરવામાં આવેલા ₹130 કરોડના મહત્વાકાંક્ષી રોકાણે માત્ર દરિયાકાંઠા વિકાસને અનુપમ તેજ આપ્યું નથી, પરંતુ આ પ્રોજેક્ટ હવે આગામી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC), રાજકોટ-2026માં પ્રવાસન રોકાણ મુખ્ય આકર્ષણ બનવા તૈયાર છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું શિવરાજપુર બીચ – ગુજરાતના 2340 કિમી લાંબા દરિયાકાંઠામાં સૌથી સ્વચ્છ, સુંદર, સુરક્ષિત અને પરિવારમિત્ર બીચોમાનું એક – આજે ‘બ્લૂ ફ્લેગ’ના પ્રતિષ્ઠિત દરજ્જાથી સજ્જ છે. આ માન્યતા એ દર્શાવે છે કે અહીં પ્રવાસીઓને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ સુવિધાઓ, સલામતીના ઉચ્ચ ધોરણો અને આધુનિક સુવિધાઓ સાથે શ્રેષ્ઠ અનુભવ મળે છે.
શિવરાજપુર બીચનું આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબનું રૂપાંતર ગુજરાતનો ટકાઉ, સુરક્ષિત અને ઉચ્ચ ગુણવત્તાવાળો પર્યટન અનુભવ પૂરો પાડવાનો અડગ સંકલ્પ દર્શાવે છે. હવે ભારતીય પ્રવાસીઓને વિદેશ ગયા વિના વિશ્વ-સ્તરીય બીચ અને આધુનિક સુવિધાઓનો આનંદ મળે તેવું ગુજરાતે સાકાર કર્યું છે.
શિવરાજપુરના આ સર્વાંગી વિકાસમાં અરાઇવલ પ્લાઝા, સ્નોર્કલિંગ ઝોન, સાયકલ ટ્રેક, બીચ પ્રોમેનેડ, સ્લજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, તેમજ હાઉસિંગ ડિપાર્ટમેન્ટની મહત્વની સુવિધાઓનો સમાવેશ થાય છે. સાથે જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹3.930 કરોડના વધારાના કામ સાથે 11 કિમીથી વધુ નવા રસ્તાનો વિકાસ પણ હાથ ધરાયો છે.
ચેન્જિંગ રૂમ, શાવર એરિયા, બાળકો માટે આકર્ષક ખેલ વિસ્તારો જેવી સુવિધાઓ પ્રવાસીઓને આરામદાયક અનુભવ આપશે. દ્વારકા, બેટ દ્વારકા, શિવરાજપુર સમગ્ર પ્રવાસન પટ્ટીનું સુવ્યવસ્થિત માસ્ટર પ્લાનિંગ પણ ચાલુ છે. સાથે જ બીચ ફેસ્ટિવલ જેવા આંતરરાષ્ટ્રીય ધોરણના કાર્યક્રમો આ વિસ્તારને વધુ આકર્ષક બનાવશે.
10 થી 12 જાન્યુઆરી 2026 દરમિયાન રાજકોટમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ કચ્છ-સૌરાષ્ટ્રના પ્રવાસન સર્કિટને વ્યૂહાત્મક કેન્દ્ર તરીકે ઉજાગર કરશે. શિવરાજપુર બીચનું આ પરિવર્તન રોકાણકારો માટે એક ‘મોડલ કેસ સ્ટડી’ બનશે, જે દર્શાવે છે કે આધુનિક હોસ્પિટાલિટી ક્ષેત્ર, પ્રીમિયમ કોસ્ટલ રિસોર્ટ્સ, વોટર સ્પોર્ટ્સ, ઇકો-ટુરિઝમ, હેરિટેજ હોસ્પિટાલિટી અને આધ્યાત્મિક સર્કિટ્સમાં અતિશય તકો ઉપલબ્ધ છે.
કચ્છના રણથી લઈને ગીરના ઇકો-ઝોન અને દ્વારકાના ધર્મપ્રવાસ સુધી, રાજ્યના પશ્ચિમ દરિયાકાંઠામાં રોકાણ માટેનો સમય હવે સૌથી અનુકૂળ છે. VGRCનું મિશન સ્પષ્ટ છે – ‘રોકાણને મૂડી સાથે અને મૂડીને અવસર સાથે જોડવું’ અને પ્રવાસન ક્ષેત્ર આ દિશામાં સૌથી પ્રભાવશાળી ક્ષેત્ર તરીકે ઉભર્યું છે.
આ પણ વાંચો…ગુજરાતનો દરિયાકાંઠો બન્યો ‘બ્લૂ ઇકોનોમી’નું પાવરહાઉસ: વાર્ષિક ૧૦.૪૨ લાખ મે. ટનથી વધુ મત્સ્ય ઉત્પાદન



