ગુજરાતના ખેતીપાકને રૂ. ૫,૦૦૦ કરોડથી વધુનું નુકસાન; ગુજરાત સરકારે કેન્દ્ર પાસે માંગ્યું વિશેષ સહાય પેકેજ

ગાંધીનગર: ગુજરાતમાં ઓક્ટોબર મહિનાના અંતિમ સપ્તાહમાં રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેતીપાકોને વ્યાપક નુકસાન થયું છે. ખેતી પાકોને થયેલા નુકસાનને કારણે ખેડૂતોએ આપઘાત કરી લીધા હોવાના પણ દુખદ બનાવો બન્યા છે. ત્યારે રાજ્ય સરકારના ચાલી રહેલા આકરાણી મુજબ, કૃષિ પાકને રૂપિયા ૫,૦૦૦ કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો પ્રારંભિક અંદાજ મૂકવામાં આવ્યો છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવા માટે કેન્દ્ર સરકારને વિશેષ સહાય પેકેજની વિનંતી કરતો પત્ર લખ્યો છે. પ્રાથમિક સત્તાવાર આંકડાઓ અનુસાર, રાજ્યના ૨૪૯ તાલુકાના ઓછામાં ઓછા ૧૬,૦૦૦ ગામોમાં ૧૦ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં પાકને નુકસાન થયું છે.
મુખ્ય પ્રધાનની ઉચ્ચ સ્તરીય બેઠક
મુખ્ય પ્રધાને મંગળવારે ગાંધીનગરમાં આ મામલે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં પ્રધાનો ઉપરાંત મુખ્ય સચિવ મનોજ દાસ, મહેસૂલ, કૃષિ, નાણાં વિભાગના અધિકારીઓ અને મુખ્ય પ્રધાન કાર્યાલયના અધિકારીઓ હાજર રહ્યા હતા. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રાથમિક અંદાજો મુજબ, ૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના પાકને નુકસાન થયું છે, જો કે વાસ્તવિક આંકડો આનાથી પણ વધારે હોઈ શકે છે. રાજ્ય સરકાર સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ અને વધારાના બજેટ સંસાધનો દ્વારા વળતર પૂરું પાડશે. જોકે, કેન્દ્ર સરકારને વિશેષ નાણાકીય સહાય માટે વિનંતી કરવામાં આવી છે.
વિવિધ જિલ્લાઓમાં વ્યાપક નુકસાન
વિવિધ જિલ્લાઓના સર્વેના આંકડા દર્શાવે છે કે નુકસાન મોટા પાયે થયું છે. સુરત જિલ્લામાં કૃષિ વિભાગે ૫૯૬ ગામોમાં ૩૯,૬૫૨ હેક્ટર ખેતીની જમીનનો સર્વે કર્યો છે, જ્યાં મુખ્યત્વે ડાંગર, સોયાબીન, મકાઈ, જુવાર અને શાકભાજીના પાકને અસર થઈ છે. ભરૂચ જિલ્લામાં ૧.૯૮ લાખ હેક્ટર સર્વેક્ષણ કરાયેલી જમીનમાંથી ૧.૩૫ લાખ હેક્ટર ખેતીની જમીનને ફટકો પડ્યો છે, જ્યારે વલસાડમાં ડાંગરની ખેતી હેઠળના ૭૧,૭૬૬ હેક્ટર વિસ્તારને નુકસાન થયું છે. વડોદરા જિલ્લામાં ૧૦૭ ટીમો દ્વારા ૬૬૮ ગામોને આવરી લેતા સર્વેમાં ૧.૦૬ લાખ હેક્ટર જમીન પરના પાકને અસર થઈ છે, જેમાં ૯૭,૯૨૪ હેક્ટરમાં ૩૩% થી વધુ નુકસાન થયું છે અને ૧,૨૪,૮૧૧ ખેડૂતો અસરગ્રસ્ત થયા છે.
અહેવાલ અનુસાર, ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે થયેલા પાકના નુકસાનના આકારણી માટેનો સર્વે ૧૧ તાલુકાના ૬૯૯ ગામોમાં ૨૪ કલાકની અંદર પૂર્ણ કરી દેવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લામાં, ટીમો ડિજિટલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને સોયાબીન, કપાસ, અડદ અને શાકભાજીના પાકને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી રહી છે.



