દેશના વિકાસનો આધારસ્તંભ સશક્ત અને સક્ષમ મહિલાઓ: મહિલા અને બાળ વિકાસ પ્રધાન ભાનુબેન બાબરીયા…

ગાંધીનગરઃ દેશના વિકાસનો આધારસ્તંભ સશક્ત અને સક્ષમ મહિલાઓ છે તેમ જણાવતાં મહિલા અને બાળ વિકાસ પ્રધાન ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે, ગુજરાતે શરૂ કરેલી વિકાસયાત્રા નારી શક્તિના બળ થકી વધુ વેગવાન બનશે. સુપોષિત ગુજરાત બનાવવાની દિશામાં દરેક આંગણવાડી કાર્યકરની મહત્વની ભૂમિકા રહેલી છે.

તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે દીકરીઓ, યુવતીઓ અને મહિલાઓનો પોષણ અને સર્વાંગી વિકાસ સર્વોપરી છે. તેમણે નારી શક્તિ થી રાષ્ટ્ર નિર્માણના દ્રઢ નિશ્ચયને સાર્થક કરવાની શરૂઆત ગુજરાતથી કરી હતી. તેમના આ દ્રઢ સંકલ્પને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યાં છે.
રાજ્ય સરકાર દ્વારા નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતી લાવવાના હેતુથી ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ પ્રધાન ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમના હસ્તે રૂ. ૪૮ લાખના ખર્ચે નિર્માણ પામનાર સખી વન સ્ટોપ સેન્ટર ખેડાનું ઈ લોકાર્પણ અને GSPC ના CSR ભંડોળ હેઠળ લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેક્નોલોજીના ઉપયોગ કરીને દાહોદ, કરાઈ અને ખટામ ખાતે બનાવેલા ત્રણ આંગણવાડીનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

પ્રધાન ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, તમારા સૌના સહિયારા પ્રયાસ થકી રાજ્યને સુપોષિત બનાવી શકાશે. આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતાં THRના ઉપયોગ થકી સુપોષિત ગુજરાતનો લક્ષ્ય સાકાર થઈ રહ્યો છે. મહિલા સંમેલનમાં સન્માનિત થનાર સૌ બહેનોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, આંગણવાડીઓમાં નાના ભૂલકાઓને ગમ્મત સાથે જ્ઞાન તથા પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. બાળકોના પાયાના શિક્ષણને મજબૂત બનાવવામાં મુખ્યસેવિકા, આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર બહેનોનો સિંહ ફાળો રહેલો છે. તેમની આ શ્રેષ્ઠ કામગીરીને બિરદાવવા માટે તેમનો માતા યશોદા એવોર્ડથી પ્રોત્સાહિત કરવામાં આવે છે.

મહિલાઓને રાજ્યના સર્વાંગી વિકાસમાં હિસ્સો મળી રહે તેવા ઉમદ્દા હેતુથી ગુજરાત સરકાર દ્વારા મહિલાઓના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ શ્રેષ્ઠ સ્વૈચ્છિક સંસ્થા અને શ્રેષ્ઠ મહિલા કાર્યકરને ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર આપવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આપણ વાંચો : ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે,5 વર્ષમાં MSME ને અધધ કરોડની સહાય…