૧૬ ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર: ૨૩ દિવસમાં ૨૬ બેઠકો યોજાશે, ૧૭મીએ રજૂ થશે અંદાજપત્ર

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ૧૫મી ગુજરાત વિધાનસભાનું આઠમું સત્ર આગામી ૧૬મી ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ બોલાવવામાં આવ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સત્રની રૂપરેખા જાહેર કરતા જણાવ્યું હતું કે, સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ ગૃહને સંબોધિત કરશે.
ત્યારબાદ, ૧૭મી ફેબ્રુઆરીના રોજ રાજ્યના નાણા પ્રધાન વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર (બજેટ) રજૂ કરશે. આ સાથે જ અગાઉના વર્ષોના વધારાના ખર્ચના પત્રકો અને ચાલુ વર્ષના પૂરક પત્રકો પણ ગૃહ સમક્ષ મૂકવામાં આવશે.
આપણ વાચો: અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરશે ભૂપેન્દ્ર સરકાર, ગુરુવારથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ
કામકાજનું માળખું અને નાણાકીય ચર્ચા
આ બજેટ સત્ર ૧૬ ફેબ્રુઆરીથી શરૂ થઈને ૨૫ માર્ચ ૨૦૨૬ સુધી ચાલશે, જેમાં કામકાજના કુલ ૨૩ દિવસો દરમિયાન ૨૬ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. સત્રના એજન્ડા મુજબ, રાજ્યપાલના સંબોધન પર ૩ બેઠકો અને સરકારી વિધેયકો માટે ૪ બેઠકો ફાળવવામાં આવી છે.
સૌથી વધુ મહત્વનું નાણાકીય કામકાજ ૧૮ બેઠકોમાં ચાલશે, જેમાં બજેટ પર સામાન્ય ચર્ચા માટે ૪ બેઠકો અને વિવિધ વિભાગોની માંગણીઓ પર ચર્ચા તેમજ મતદાન માટે ૧૨ બેઠકો ફાળવવામાં આવી છે. આ ઉપરાંત, બિનસરકારી કામકાજ માટે પણ ૬ બેઠકો અનામત રાખવામાં આવી છે.
આપણ વાચો: ગુજરાત વિધાનસભાનું આવતીકાલથી શરુ થશે બજેટ સત્ર, ગુરુવારે બજેટ રજૂ કરાશે
પ્રશ્નોત્તરી અને ટેકનોલોજીનો સમન્વય
વિધાનસભાની કાર્યવાહીને વધુ સુદ્રઢ બનાવવા માટે અધ્યક્ષ દ્વારા પ્રધાનોના પાંચ જૂથોની રચના કરવામાં આવી છે. ધારાસભ્યોની સુવિધા માટે પ્રશ્નોની સૂચના ઓનલાઈન અથવા ઓફલાઈન એમ બંને માધ્યમથી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
સત્રની શરૂઆત પહેલા કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાશે, જેમાં લેવાયેલા નિર્ણયો મુજબ ગૃહની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સત્રની તમામ વિગતો ‘નેવા’ (NeVA) વેબસાઈટ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.



