
ગાંધીનગર : ગુજરાતે “મિષ્ટી” યોજના હેઠળ 19,520 હેક્ટરમાં ચેરનું(મેન્ગ્રુવ) વાવેતર કરીને દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જેમાંથી માત્ર કચ્છ જિલ્લામાં જ 6000 હેક્ટરનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતનું મેન્ગ્રુવ કવર વર્ષ 1991 માં 397 ચોરસ કિલોમીટરથી વધીને 2021માં 1175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે. જે રાજ્યની મહત્વપૂર્ણ દરિયાઇ ઇકોસિસ્ટમને બચાવવા અને તેને પુનઃસ્થાપિત કરવા માટે સરકારના નક્કર પ્રયાસો દર્શાવે છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકામાં મેન્ગ્રુવના વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે. મેન્ગ્રુવ વૃક્ષોના સંરક્ષણમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાંનું એક છે. રાષ્ટ્રીય સ્તરે ગુજરાત મેન્ગ્રુવ વિસ્તારની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ બાદ બીજા ક્રમે આવે છે.
ચેરના વૃક્ષો દરિયાકાંઠાના ધોવાણને રોકવા માટે ઉપયોગી
ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા (FSI)2023 ના અહેવાલ મુજબ, ગુજરાતના મેન્ગ્રુવ વિસ્તારમાં 241.29 ચોરસ કિલોમીટરનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ વૃદ્ધિ માત્ર આંકડાઓની વાત નથી, તે પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ વિકાસ પ્રત્યે ગુજરાતની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. મેન્ગ્રુવ વૃક્ષો દરિયાકાંઠાના ધોવાણને રોકવામાં, જૈવવિવિધતાને પ્રોત્સાહન આપવામાં અને કુદરતી આફતો સામે રક્ષણ આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ગુજરાતમાં ચેરના વૃક્ષોનું વાવેતર વધારવા માટેના સંનિષ્ઠ પ્રયાસો પરિણામ સ્વરૂપે આજે ચેરનું આવરણ 1175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે. રાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાત મેન્ગ્રુવ કવરની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે.
સમગ્ર ગુજરાતમાં મેન્ગ્રુવ વૃક્ષોનું વ્યૂહાત્મક વિતરણ
ગુજરાતનું મેન્ગ્રુવ કવર વ્યૂહાત્મક રીતે રાજ્યના ચાર મુખ્ય વિસ્તારોમાં વહેંચાયેલું છે. રાજ્યનો કચ્છ જિલ્લો ૭૯૯ ચોરસ કિલોમીટર મેન્ગ્રુવ કવર સાથે અગ્રેસર છે, જે રાજ્યના મેન્ગ્રુવ કવરનો મોટાભાગનો હિસ્સો ધરાવે છે. મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય સહિત કચ્છનો અખાત, જામનગર, રાજકોટ (મોરબી), પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જેવા વિસ્તારોને આવરી લઇને 236 ચોરસ કિલોમીટરનો મેન્ગ્રુવ કવર ધરાવે છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં 6 ચો. કિ.મી માં ચેરનું કવર
ખંભાતના અખાત અને ડુમસ-ઉભરાટ વિસ્તારો સહિત રાજ્યનો મધ્ય અને દક્ષિણ ગુજરાત વિસ્તાર કે જેમાં ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓનો સમાવેશ થાય છે, તે વિસ્તાર 134 ચોરસ કિલોમીટર મેન્ગ્રુવ કવર ધરાવે છે. ઉપરાંત, અમરેલી, જૂનાગઢ અને ગીર-સોમનાથ જેવા જિલ્લાઓને આવરી લેતો રાજ્યનો સૌરાષ્ટ્ર વિસ્તાર 6 ચો. કિ.મી.નું ચેરનું કવર ધરાવે છે.
12 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં ચેરના વાવેતર કરવાનું આયોજન
મેન્ગ્રુવ વૃક્ષોની મહત્વપૂર્ણ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ગુજરાત સરકારે વર્ષ 2014-15 થી 2022-23 દરમિયાન મેન્ગ્રુવ વૃક્ષોના વાવેતરનું વ્યાપક અભિયાન હાથ ધર્યું હતું. વિવિધ વિસ્તારોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વર્ષ 2023-24 માં રાજ્યમાં 6930 હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રુવ વાવેતર કરાયું હતું અને વર્ષ 2024-25 દરમિયાન કુલ 12 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં ચેરના વાવેતર કરવાનું આયોજન કરાયું છે.
આ પણ વાંચો…ગુજરાતે મેળવી વધુ એક સિદ્ધિ, દરિયાકાંઠા વિસ્તારમાં ચેર વાવેતરમા દેશમાં પ્રથમ ક્રમે