ગાંધીનગર

ગુજરાતના UCC ડ્રાફ્ટ સમિતિની બેઠક નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજાઈ

ગાંધીનગર: ઉત્તરાખંડમાં યુસીસી(UCC)લાગુ કરાયા બાદ તેના અમલને જમિયત ઉલેમા-એ-હિંદે હાઇકોર્ટમાં પડકાર્યો છે. આ દરમિયાન ગુજરાતમા સમાન નાગરિક સંહિતા કાયદો લાગુ કરવા સરકારે કવાયત હાથ ધરી છે. જેમાં ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં રાજ્ય સરકારે રચેલી પાંચ સભ્યોની ઉચ્ચ-સ્તરીય સમિતિની બેઠક નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજવામાં આવી હતી.

આ પણ વાંચો: દેશમાં માંસાહાર પર લાગે પ્રતિબંધ, UCCના સમર્થનમાં આવ્યા શત્રુધ્ન સિંહા

બેઠકમાં સમિતિના સભ્યોએ મહત્વપૂર્ણ ચર્ચા કરી

રાજ્ય માટે પ્રસ્તાવિત યુસીસીના ઉદ્દેશો, અવકાશ અને રૂપરેખા અંગે આ બેઠકમાં સમિતિના સભ્યોએ મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી.સમિતિના અધ્યક્ષ રંજના દેસાઈ અને સમિતિના અન્ય સભ્યો નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ અધિકારી સી.એલ.મીના, એડવોકેટ આર.સી. કોડેકર, ભૂતપૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર્તા ગીતાબેન શ્રોફ આ મહત્વપૂર્ણ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રગતિશીલ અને સશક્ત કાનૂની માળખું વિકસાવવાનો

આ બેઠકમાં ચર્ચા દરમિયાન, સમિતિએ વિવિધ વર્તમાન કાયદાઓની વ્યાપક સમીક્ષા માટે પોતાના દ્રષ્ટિકોણની રૂપરેખા આપી હતી. જેનો ઉદ્દેશ ગુજરાત રાજ્યના તમામ નાગરિકો માટે ન્યાય, સમાનતા અને સામાજિક સુમેળને સુનિશ્ચિત કરતું પ્રગતિશીલ અને સશક્ત કાનૂની માળખું વિકસાવવાનો છે.

સમિતિ પોતાનો અહેવાલ ગુજરાત સરકારને સુપરત કરશે

સમિતિએ મહિલાઓ અને બાળકોને સમાન અધિકારો પૂરા પાડવા અને સામાજિક માળખાને મજબૂત બનાવવા માટે, ખાસ કરીને વ્યક્તિગત કાયદાઓમાં સમાવેશકતા, ન્યાયિક સમાનતા અને એકરૂપતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ સમિતિ પોતાનો અહેવાલ ગુજરાત સરકારને સુપરત કરશે તે રાજ્યના ભાવિ કાનૂની માળખાને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button