ગુજરાતમાં ST બસ સેવાઓનો વ્યાપ વધ્યો: CM ભૂપેન્દ્ર પટેલે 151 નવી સુપર એક્સપ્રેસ બસોનો પ્રારંભ કરાવ્યો | મુંબઈ સમાચાર

ગુજરાતમાં ST બસ સેવાઓનો વ્યાપ વધ્યો: CM ભૂપેન્દ્ર પટેલે 151 નવી સુપર એક્સપ્રેસ બસોનો પ્રારંભ કરાવ્યો

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નાગરિકો માટે બસ સેવાઓને વધુ સુવિધાસભર બનાવવાના હેતુથી એસ.ટી. નિગમની નવી 151 સુપર એક્સપ્રેસ બસોને લીલી ઝંડી ફરકાવીને વિવિધ રૂટ માટે પ્રસ્થાન કરાવ્યું હતું. વાહનવ્યવહાર રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (જીએસઆરટીસી) દ્વારા આ નવી બસોનો લોકાર્પણ સમારોહ ગાંધીનગરમાં યોજાયો હતો.

આ વર્ષના બજેટમાં રાજ્ય સરકારે કુલ 1963 નવી બસોની ખરીદીની મંજૂરી આપી છે તેમજ પીપીપી મોડલ અંતર્ગત 100 આધુનિક એસી બસોના સંચાલનનું આયોજન પણ હાથ ધરીને સમગ્રતયા 2063 બસો લોકોની સેવામાં મૂકવાનું આયોજન કર્યું છે. આ પૈકી 151 સુપર એક્સપ્રેસ બસો રૂપિયા 52.63 કરોડના ખર્ચે જનસેવામાં મૂકવામાં આવી છે. નાગરિકોને વધુ આરામદાયક, સુરક્ષિત અને ઝડપી મુસાફરીની સુવિધા મળી રહે તે માટે આ બસો રાજ્યના તમામ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાત ST નિગમમાં 2,320 નવા કંડક્ટરને નિમણૂક પત્રો એનાયત

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત એસ.ટી.નિગમ દૈનિક 8 હજારથી વધુ બસો દ્વારા દરરોજ 33 લાખ કિલોમીટરનું સંચાલન કરીને 27 લાખથી વધુ મુસાફરોને તેમની ગંતવ્યસ્થાને પહોંચાડે છે. તહેવારો અને વિશિષ્ટ અવસરો પર વધારાની બસોનું સંચાલન કરીને નિગમ અવિરત સેવાથી સમગ્ર સમાજને જોડતું રહ્યું છે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button