ગુજરાતમાં મોસમનો સરેરાશ વરસાદ 84 ટકાથી વધુ , 67 ડેમ છલોછલ

ગાંધીનગર : ગુજરાતમાં હાલ મોસમનો કુલ સરેરાશ વરસાદ 84 ટકાથી વધુ નોંધાયો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 3.90 ઈંચ, સાબરકાંઠાના ઈડરમાં 3. 86 ઈંચ, તાપીના વ્યારામાં 3.54 ઈંચ તથા વડોદરા જિલ્લાના ડભોઈમાં 3.15 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં માત્ર 4 કલાકમાં જ મહિસાગર જિલ્લાના બાલાસીનોર તાલુકામાં તથા સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં 2.13 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવર ડેમ હાલ 84 ટકાથી વધુ ભરાયો
રાજ્યના ડેમની સ્થિતી અંગે વાત કરીએ તો, રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાં હાલ 2,83,431 MCFT જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમ હાલ 84 ટકાથી વધુ ભરાયો છે. સરદાર સરોવર સિવાયના રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,36,135 MCFT જળસંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 78.18 ટકા છે. રાજ્યમાં હાલ 67 ડેમ 100 ટકાથી વધુ અને 27 ડેમ 90 ટકાથી 100 ટકા ભરાતા કુલ 94 ડેમને હાઈ એલર્ટ, 27 ડેમ 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ તથા 19 ડેમને વોર્નીગ આપવામાં આવી છે.
વધુ ઉત્તર ગુજરાત ઝોનમાં સૌથી વધુ 87.43 ટકા વરસાદ
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સવારે 6. 00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 84 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના વિવિધ ઝોનમાં ચાલુ વર્ષે વરસેલા વરસાદની દ્રષ્ટીએ અત્યાર સુધીમાં સૌથી વધુ ઉત્તર ગુજરાત ઝોનમાં 87.43 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 86.41 ટકાથી વધુ, કચ્છ ઝોનમાં 85.08 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 83.51 ટકા તેમજ પૂર્વ મધ્ય ઝોનમાં સૌથી ઓછો 79.08 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
966 નાગરિકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા
ચોમાસાની કોઇપણ સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા એનડીઆરએફની 12 ટુકડીઓ અને એસડીઆરએફની 20 ટુકડીઓ વિવિધ જિલ્લામાં ડીપ્લોય કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન આપાતકાલીન પરિસ્થિતિ ધરાવતા સ્થળો ખાતેથી સુરક્ષાના ભાગરૂપે કુલ 5191 નાગરિકોનું સ્થળાંતર અને 966 નાગરિકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો…ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો, આજે પણ સાર્વત્રિક ભારે વરસાદની આગાહી