
ગાંધીનગરઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા ઉમેદવારોનો નિમણૂક પત્ર એનાયત સમારોહ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. આ સમારોહમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી સહિત પ્રધાન મંડળના સભ્યોની અધ્યક્ષતામાં 4,473 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
રાજ્યભરમાંથી પસંદગી પામેલા ઉમેદવારોમાંથી સૌથી વધુ જુનિયર ક્લાર્ક વર્ગ-૩ માં ૨,૮૨૮ ઉપરાંત સબ રજિસ્ટ્રાર ગ્રેડ ૧-૨ ની મળીને કુલ ૯૨, સ્ટેમ્પ નિરીક્ષક વર્ગ-૩ની કુલ ૨૨, સિનિયર ક્લાર્ક વર્ગ-૩ની ૩૩૯, હેડ ક્લાર્ક વર્ગ-૩ની ૧૩૮, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ-૩ની કુલ ૨૦, સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ-૩ની ૧૪૪ તેમજ ગૃહપતિ,ઓફિસ આસિસ્ટન્સ, ડેપો મેનેજર, આસિસ્ટન્ટ ડેપો મેનેજર, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ-૩,હિસાબનીશ વર્ગ -૩, પેટા હિસાબનીશ વર્ગ-૩ અને સર્વેયરની કુલ ૮,૮૨ મળી કુલ-૪,૪૭૩ને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : કુંભમાં ‘ગુજરાતી’ પેવેલિયનની બોલબાલાઃ સૌરાષ્ટ્રના ગાંઠિયા ને રોટલાનો લાગ્યો ચસ્કો…
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારે માનવ સંસાધન માટે ટેક્નોલોજીના ઉપયોગથી કાર્યરત કરેલા 3000થી વધુ કેડરની માહિતી સાથેના કેડર મેનેજમેન્ટ પોર્ટલ અને 10 વર્ષીય ભરતી કેલેન્ડરની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે આના પરિણામે ભવિષ્યના મેન પાવર રિક્રુટમેન્ટ માટેનું આયોજન સરળ બન્યું છે. રોજગાર ઈચ્છુક યુવાનોને પણ પરીક્ષાની આગોતરી માહિતી મળી રહે છે અને પુરી તૈયારી કરીને તેઓ સફળતા મેળવી શકે છે
આ પણ વાંચો : બજેટ બાદ વિપક્ષોએ નાણા પ્રધાનને ઘેર્યા, અખિલેશ યાદવને બજેટમાં કુંભની યાદ આવી…
આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ આ પ્રસંગે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા રાજ્યના લાખો યુવાનો માટે આ જ મહિનાના અંત સુધીમાં ગુજરાત પોલીસ દળમાં કુલ ૧૪,૫૦૭ નવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવશે. જેમાં પીએસઆઈ અને લોકરક્ષક જેવી મુખ્ય કેડરની ૧૩,૫૯૧ જગ્યાઓ અને ટેકનિકલ કેડરની ૯૧૬ જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હાલમાં ગુજરાત પોલીસ દળની ચાલી રહેલી ૧૨થી વધુ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા પણ અંતિમ તબક્કામાં છે, જેમના નિમણૂક પત્રો પણ ટૂંક સમયમાં અપાશે.
આ ઉપરાંત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર-તેડાગર તરીકે પસંદગી પામેલા લગભગ 9000 ઉમેદવારોને તેમજ ગૃહ વિભાગ હેઠળ પોલીસ કોન્સ્ટેબલ-એલઆરડી સહિતની 12,000થી વધુ પદોની ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોને ટૂંક સમયમાં નિમણૂકપત્રો એનાયત કરવામાં આવશે.



