
ગાંધીનગર: ગુજરાત સરકાર લાંબા સમયથી અટકી પડેલી કાયમી સ્પોર્ટ્સ ટીચરની ભરતી માટે સરકાર હવે સક્રિય બની છે અને પ્રાથમિકથી લઈને હાયર સેકન્ડરી શાળાઓમાં રમતગમત શિક્ષકોને પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયાને વેગ આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા લગભગ 15 વર્ષથી કોઈ કાયમી પીટી શિક્ષકની ભરતી કરવામાં આવી નથી.
જેના કારણે હજારો સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં સ્પોર્ટ્સ શિક્ષણ વિઝિટિંગ ઈન્સ્ટ્રક્શન અથવા સામાન્ય શિક્ષકોના ભાર પર ચાલી રહ્યું છે. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે, જેથી લાંબી રાહ જોઈ રહેલા યુવાનોને સ્પોર્ટ્સ શિક્ષક તરીકે સેવા આપવા નવા અવસર મળશે.
વિશેષ કમિટીની બેઠક બોલાવી હતી
રાજ્ય સરકાર દ્વારા રમતગમત નીતિનું પુનઃમૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે. શાળા સ્તરથી જ ગ્રાઉન્ડ-લેવલ ટેલેન્ટ ડેવલપમેન્ટને મજબૂત બનાવવાનું રાજ્યનું લક્ષ્ય છે. આ દિશામાં, સ્કૂલ્સ કમિશનર કચેરીએ તાજેતરમાં વિશેષ કમિટીની બેઠક બોલાવી હતી, જેમાં જગ્યાઓની સંખ્યા, પાત્રતા માપદંડ, બજેટ, ભરતી પ્રક્રિયા અને સમયરેખા જેવા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
પરીક્ષાની રૂપરેખા જાહેર થવાની શક્યતા
સૂત્રોના જણાવ્યા મુજબ, કમિટી હવે સરકારને ભલામણ મોકલવાની તૈયારીમાં છે. તેના આધારે ટૂંક સમયમાં શિક્ષણ વિભાગ દ્વારા ભરતી નિયમો, જિલ્લા-વાઇઝ જગ્યાઓ, ઑનલાઇન અરજી પ્રક્રિયા અને પરીક્ષાની રૂપરેખા જાહેર થવાની શક્યતા છે



